તા. ૧૯ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૪ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
બર્થ-ડે પાર્ટી ન આપી એટલે એક વકીલે બીજા વકીલને ફટકારી ૪૧,૨૫૦ રૂપિયાની લીગલ નોટિસ
પાર્ટી ન મળતાં રેસ્ટોરાંમાં ખાવાના ૧૭૫૦ રૂપિયા અને તબિયત બગડતાં હોસ્પિટલના ઇલાજનો ૩૯,૫૦૦ રૂપિયાનો ખર્ચ ગોવિંદ તિવારીએ ચૂકવવો પડશેઃ નોટિસ

દમોહ,તા.૮: મિત્રો વચ્ચે બર્થ-ડે કે સક્સેસ-પાર્ટીને લઈને મજાક-મસ્તી થવી, તકરાર થવી કે થોડા દિવસ માટે બોલચાલ બંધ થઈ જવી એ તો સાવ સામાન્ય બાબત છે. જોકે મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને અદાલતના વકીલો પણ માથું ખંજવાળવા લાગ્યા છે. અહીં એક વકીલે બર્થ-ડે પાર્ટી ન આપવા બદલ પોતાના જ વકીલમિત્રને લીગલ નોટિસ ફટકારી દીધી છે.
ઘટના કંઈક એવી છે કે દમોહ જિલ્લા-અદાલતના જાણીતા ઍડ્વોકેટ ગોવિદ તિવારીનો જન્મદિવસ હતો. કોર્ટના બારરૂમમાં ઉજવણી થયા પછી તેમણે પોતાના ખાસ મિત્ર અને ઍડ્વોકેટ વિશાલ રાજપૂત સહિતના મિત્રોને પાર્ટી આપવાનું વચન આપ્યું હતું. એટલું જ નહીં, મિત્રોના દબાણ બાદ તેમણે લેખિતમાં ચોક્કસ તારીખે પાર્ટી આપવાની ખાતરી આપી હતી.
જે દિવસે પાર્ટી નક્કી થઈ હતી એ દિવસે વિશાલ અને તેમના મિત્રો ખૂબ ખુશ હતા, પરંતુ આખો દિવસ અને મોડી રાત સુધી રાહ જોયા છતાં ગોવિદ તિવારીનો ફોન જ ન આવ્યો.
નિરાશ થઈને વિશાલ રાજપૂતે મોડી રાત્રે બહારનું ખાણું ખાધું, જેનાથી તેમની તબિયત લથડી ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
બસ, પછી તો વકીલસાહેબનો પિત્તો ગયો. તેમણે મિત્ર ગોવિદ તિવારીને વાયદા-ખિલાફી અને માનસિક ત્રાસ આપવા બદલ લીગલ નોટિસ મોકલીને ૪૧,૨૫૦ રૂપિયાના વળતરની માગણી કરી નાખી. તેમણે હિસાબ આપતાં જણાવ્યું કે પાર્ટી ન મળતાં રેસ્ટોરાંમાં ખાવાના ૧૭૫૦ રૂપિયા અને તબિયત બગડતાં હોસ્પિટલના ઇલાજનો ૩૯,૫૦૦ રૂપિયાનો ખર્ચ ગોવિદ તિવારીએ ચૂકવવો પડશે. મિત્રો વચ્ચેની પાર્ટીનો આ કાનૂની ડ્રામા હાલ આખા પ્રદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
