News of Sunday, 15th November 2026
વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની યાદીમાં ઐતિહાસિક ઉલટફેર: પ્રથમ વખત 5 દિગ્ગજ નેતાઓને સંયુક્ત રીતે મળ્યો 'નંબર-1' નો તાજ
મક્કા સંયુક્ત સંરક્ષણ કરારની અસર હેઠળ પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ, ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, સાઉદી કિંગ સલમાન, ક્રાઉન પ્રિન્સ MBS અને તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ટોચના સ્થાને બિરાજમાન : યાદીમાં બીજો અને ત્રીજો ક્રમ ખાલી રાખી સીધા ચોથા સ્થાને ઈરાનના સુપ્રીમ લીડર

જોર્ડન: જોર્ડન સ્થિત પ્રતિષ્ઠિત સંસ્થા 'રોયલ ઇસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર' (RISSC) દ્વારા વિશ્વના 500 સૌથી પ્રભાવશાળી મુસ્લિમોની 2027ની 18મી આવૃત્તિ ('ધ મુસ્લિમ 500') જાહેર કરવામાં આવી છે, જેણે વૈશ્વિક રાજકારણમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ યાદીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ એક વ્યક્તિને બદલે પાંચ ટોચના નેતાઓને સંયુક્ત રીતે પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે. આ વિશેષ સન્માનમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર, સાઉદી અરેબિયાના રાજા સલમાન, ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનો સમાવેશ થાય છે. આ ઐતિહાસિક નિર્ણય પાછળ 7 ઓગસ્ટ, 2026ના રોજ આ ત્રણેય દેશો વચ્ચે થયેલો 'મક્કા સંયુક્ત સંરક્ષણ કરાર' મુખ્ય પરિબળ માનવામાં આવે છે, જે 'એક પર હુમલો એ સૌ પર હુમલો' ના સામૂહિક સુરક્ષા સિદ્ધાંત પર આધારિત છે.
રિપોર્ટમાં આ ત્રિપક્ષીય ગઠબંધનની વ્યૂહાત્મક તાકાતનું વિશ્લેષણ કરતા સાઉદી અરેબિયાની આર્થિક સમૃદ્ધિ, તુર્કીની અત્યાધુનિક સંરક્ષણ ટેકનોલોજી અને પાકિસ્તાનની લશ્કરી શક્તિને એક મજબૂત ઢાલ ગણાવવામાં આવી છે. જોકે, આ કરારની વાસ્તવિક અસરકારકતા સામે સવાલો પણ ઊભા થયા છે, કારણ કે તાજેતરમાં હુથી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના ઠેકાણાઓ પર થયેલા હુમલા સમયે પાકિસ્તાન તરફથી માત્ર શાબ્દિક સમર્થન જ જોવા મળ્યું હતું. આ અનોખી રેન્કિંગ વ્યવસ્થામાં પાંચ નેતાઓને સંયુક્ત પ્રથમ સ્થાન મળવાને કારણે યાદીમાં બીજો અને ત્રીજો ક્રમ ખાલી રાખવામાં આવ્યો છે, અને સીધા ચોથા ક્રમે ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ મોજતબા ખામેનીને સ્થાન અપાયું છે. ત્યારબાદ ક્રમશઃ જોર્ડનના રાજા અબ્દુલ્લાહ બીજા પાંચમા, કતારના અમીર શેખ તમિમ છઠ્ઠા અને યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ 12મા ક્રમે રહ્યા છે.
રાજકીય અને લશ્કરી નેતાઓ ઉપરાંત આ યાદીમાં વૈશ્વિક સ્તરે પ્રભાવ પાડનારી અન્ય જાણીતી હસ્તીઓ અને માનવતાવાદી ચહેરાઓને પણ વિશેષ સ્થાન મળ્યું છે. રમતગમત અને રાજકારણ ક્ષેત્રે જાણીતા ફૂટબોલર મોહમ્મદ સલાહ 39મા ક્રમે, પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ 45મા ક્રમે અને ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મમદાની 49મા ક્રમે છે. આ વર્ષે સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં અદમ્ય સાહસ દાખવવા બદલ ગાઝાની કમાલ અદવાન હોસ્પિટલના ડિરેક્ટર અને બાળરોગ નિષ્ણાત ડૉ. હુસમ અબુ સફિયાને 'મેન ઓફ ધ યર' જાહેર કરાયા છે, જેમણે 600થી વધુ દિવસ ઇઝરાયલી કસ્ટડીમાં વિતાવ્યા હતા. બીજી તરફ, ફેબ્રુઆરી 2026માં ઈરાનના મીનાબમાં શાળા પર થયેલા હુમલામાં બચી ગયેલી અને સંયુક્ત રાષ્ટ્રમાં બાળકોનો અવાજ ઉઠાવનાર વિદ્યાર્થીની ફાતેમેહ ઝહરા શેખાબાદીને 'વુમન ઓફ ધ યર' ના ખિતાબથી નવાજવામાં આવી છે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
