તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Wednesday, 13th May 2026
ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજની દિવ્ય મૂર્તિ સાથે ભવ્ય નગરયાત્રા
શ્રી મહાકાળી માતાજીના પાટોત્સવ અંતર્ગત પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં આજે બપોરે મુર્તિ પ્રતિષ્ઠા વિધિ અને ઇનોવા કાર અર્પણ : રાત્રે ભવ્ય સંતવાણી કાર્યક્રમઃ ભાવિકોની ભીડ

ચરાડવામાં શ્રી મહાકાળી માતાજીના પાટોત્સવ અને પૂ.દયાનંદગીરીજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે પૂ.દયાનંદગીરીજી મહારાજની મુર્તિ સાથે પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય નગરયાત્રા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા.,૧૩ : જગત જનની શ્રી મહાકાળી માતાજીની અસીમ કળપાથી હળવદ તાલુકાના ચરાડવા ગામે દેવળીયા રોડ પર આવેલા શ્રી મહાકાળી આશ્રમ ખાતે શ્રી મહાકાળી માતાજીનો ૧૭મો ભવ્ય પાટોત્સવ તથા આશ્રમના આદ્યસ્થાપક અનંત વિભૂષિત શ્રીમદ્ સદગુરુ પ.પૂ. સંત શ્રી દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુના સાનિધ્યમાં આ પંચદિવસીય મહોત્સવ વિક્રમ સંવત ૨૦૮૨, વૈશાખ વદ-૭, તારીખ ૦૯-૦૫-૨૦૨૬, શનિવારથી વૈશાખ વદ-૧૧, તારીખ ૧૩-૦૫-૨૦૨૬, બુધવાર સુધી ઉજવાશે.
આજે બુધવારે સવારે ૮.૦૦ કલાકે પંચાગ કર્મ-દેવતા આહવાન પૂજન, ૧૧.૦૦ કલાકે અરણિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી અગ્નિ પૂજન, ૧૧.૩૦ કલાકે ગ્રહશાંતિ વિધિ યોજાશે. બપોરે ૧૨.૨૫ કલાકના વિજય મુહૂર્તમાં પૂ. દયાનંદગીરીજી બાપુની દિવ્ય મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ ૧૨.૩૦ કલાકે પૂ. ગુરૂજીને અતિપ્રિય એવી ઈનોવા ગાડીનું સ્થાપના-અર્પણ વિધિપૂર્વક થયું હતું. સાંજે ૪.૦૦ કલાકે મહા આરતી અને ૪.ર૫ કલાકે પૂર્ણાહુતિ યોજાશે. રાત્રે ૯.૦૦ કલાકે સંતવાણી આરાધક પ્રિતીબેન વાજા અને ભજનીક મિલનભાઈ પટેલ સાજીંદા ગ્રુપ સાથે ભવ્ય સંતવાણી પ્રસ્તુત કરશે.
પૂ. દયાનંદગીરીજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોવાથી સૌરાષ્ટ્રભરમાંથી હજારો સંતો-મહંતો અને ભાવિક ભક્તો ઉમટી પડયા હતા.
પૂ. મહંત શ્રી અમરગીરીજી બાપુ દ્વારા સર્વે ધર્મપ્રમી જનતાને દર્શનનો લાભ લેવા તથા મહાપ્રસાદ ગ્રહણ કરવા ભાવભર્યું આમંત્રણ છે. વધુ માહિતી માટે મો. ૯૪૨૬૯ ૫૦૫૧૫ પર સંપર્ક કરવા વિનંતી છે.
શ્રી મહાકાળી આશ્રમથી ચરાડવા ગામના મુખ્ય માર્ગો પર પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુની મૂર્તિ સાથે ભવ્ય નગરયાત્રા ગાજતે વાજતે પસાર થઈ હતી. પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુની ઉપસ્થિતિમાં આયોજિત આ નગરયાત્રામાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમળકાભેર જોડાયા હતા.નગરયાત્રામાં ડીજે, ઓરકેસ્ટ્રા પાર્ટી અને સુશોભિત રથ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભાવિકો પદયાત્રા કરી, ભજન-કીર્તન સાથે નગરયાત્રામાં સહભાગી થયા હતા. સમગ્ર ગામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આ નગરયાત્રામાં આહવાન અખાડાના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત શ્રી ભારદ્વાજગીરીબાપુ, શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ મોટા ખુટવડા તથા આહવાન અખાડા થાનાપતિ પરમ પૂજ્ય શ્રી વિજયગીરીબાપુ, ડાંગિયા પાલનપુરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. સંતોના આશીર્વચનથી ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થતી નગરયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓએ ફૂલોની વર્ષા કરી દર્શનનો લાભ લીધો હતો.
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
