News of Wednesday, 28th October 2026
જિયોના લિસ્ટિંગ પૂર્વે મુકેશ અંબાણીને મોટી ભેટ: ૫૧.૧૧ કરોડ ગ્રાહકો સાથે રિલાયન્સ જિયો દેશમાં નંબર-૧ ટેલિકોમ કંપની બની
TRAI ના સપ્ટેમ્બર માસના રિપોર્ટમાં જિયોનો દબદબો: ૩૯.૩૨% માર્કેટ શેર સાથે જિયો પ્રથમ તો એરટેલ ૩૮.૦૨% સાથે બીજા સ્થાને : દેશમાં કુલ વાયરલેસ ગ્રાહકોનો આંક ૧.૩ અબજે પહોંચ્યો

મુંબઈ : રિલાયન્સ જિયોના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગના કાઉન્ટડાઉન વચ્ચે કંપનીના ચેરમેન મુકેશ અંબાણી માટે અત્યંત ઉત્સાહજનક અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા ( દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના માસિક આંકડા અનુસાર, રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર મહિનામાં નવો ગ્રાહક આધાર ઉમેરવાની બાબતમાં દેશની તમામ ટેલિકોમ કંપનીઓને પાછળ છોડીને નંબર-૧ નું સ્થાન હાંસલ કરી લીધું છે. જિયોના શેર બુધવારે સવારે ૧૦ વાગ્યે શેરબજારમાં લિસ્ટ થાય તે પૂર્વે જ કંપનીના આ શાનદાર દેખાવથી રોકાણકારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટ્રાઈ (TRAI) ના સત્તાવાર ડેટા મુજબ, સપ્ટેમ્બર માસ દરમિયાન રિલાયન્સ જિયોએ ૨૭૧.૩ મિલિયન (૨૭.૧૩ કરોડ) નવા મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સ ઉમેર્યા છે, જેનાથી કંપનીનો કુલ ગ્રાહક આધાર વધીને ૫૧૧.૧ મિલિયન (૫૧.૧૧ કરોડ) પર પહોંચી ગયો છે. બીજી તરફ, સ્પર્ધક કંપની ભારતી એરટેલે આ સમયગાળા દરમિયાન ૨૬૯.૨ મિલિયન નવા ગ્રાહકો ઉમેરતા તેનો કુલ સબ્સ્ક્રાઇબર બેઝ ૪૯૪.૩ મિલિયન (૪૯.૪૩ કરોડ) રહ્યો છે. વોડાફોન આઈડિયાનો ગ્રાહક આધાર ૨૦૦ મિલિયનને વટાવી ગયો છે, જ્યારે સરકારી ટેલિકોમ કંપની BSNLનો ગ્રાહક આધાર ૯૪.૩ મિલિયન નોંધાયો છે. ભારતીય વાયરલેસ મોબાઇલ માર્કેટમાં જિયો સૌથી વધુ ૩૯.૩૨ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે એરટેલ ૩૮.૦૨ ટકા અને વોડાફોન આઈડિયા ૧૫.૩૯ ટકા હિસ્સો ધરાવે છે.
અહેવાલ અનુસાર, સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશમાં કુલ વાયરલેસ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૦.૫૧ ટકાના માસિક વૃદ્ધિ દર સાથે વધીને આશરે ૧.૩ અબજ (૧૩૧.૯૨ કરોડ) થઈ ગઈ છે. સમગ્ર દેશમાં વાયરલાઇન અને વાયરલેસ મળીને કુલ ટેલિફોન સબ્સ્ક્રાઇબર્સનો આંક ૧૩૬.૭૯ કરોડ પર પહોંચ્યો છે, જેમાંથી સક્રિય વાયરલેસ ગ્રાહકો ૧૨૧.૨૮ કરોડ છે. આ દરમિયાન ૧.૬૮ કરોડ ગ્રાહકોએ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી (MNP) માટે અરજી કરી હતી. બીજી તરફ, મશીન-ટુ-મશીન (M2M) કનેક્શન્સ અને સ્માર્ટ મીટર જેવા ક્ષેત્રોમાં ૧૪.૪ કરોડ કનેક્શન્સ સાથે ભારતી એરટેલ ૬૧.૧૬ ટકા હિસ્સા સાથે મોખરે રહ્યું છે, જ્યારે જિયો ૧૯.૨૯ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે રહ્યું છે.
(12:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
