News of Thursday, 3rd September 2026
આર.જી. કર કેસમાં મોટો ધડાકો: પીડિતાના ઉતાવળે અંતિમ સંસ્કાર કરી પુરાવા નાશ કરવાના ષડયંત્રમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ સોમનાથ ડે બેંગલુરુથી ઝડપાયા!
હૈદરાબાદથી ભાગીને બેંગલુરુમાં છુપાયેલા TMC નેતાને બંગાળ પોલીસે આંતરરાજ્ય ઓપરેશનમાં દબોચ્યા; પીડિતાના પિતાની ફરિયાદ અને પરિવારની સહી વગર શબદાહ ગૃહમાં લાઇન તોડી ક્રિયા પતાવવાનો ગંભીર આરોપ

કોલકાતા : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના જુનિયર ડોક્ટરના રેપ અને મર્ડર કેસમાં એક અત્યંત ચકચારી વળાંક આવ્યો છે. પીડિતાના મૃતદેહના ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને મુખ્ય પુરાવાઓનો નાશ કરવાના ષડયંત્રમાં સામેલ મુખ્ય આરોપી અને પાનીહાટી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સોમનાથ ડેની ગુરુવારે વહેલી સવારે બેંગલુરુથી અટકાયત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ પોલીસની ખાસ ટીમે બેંગલુરુની એક ગેસ્ટ હાઉસમાંથી તેમની ધરપકડ કરી છે.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, FIR નોંધાયા બાદ સોમનાથ ડે પોતાનો ફોન સ્વિચ ઓફ કરીને સતત લોકેશન બદલી રહ્યા હતા. તેઓ પહેલાં હૈદરાબાદ ભાગી ગયા હતા અને ત્યાંથી પોલીસને ચકમો આપીને બેંગલુરુ પહોંચ્યા હતા. જોકે, બેંગલુરુમાં તેમનું સચોટ લોકેશન ટ્રેસ કરીને પોલીસે તેમને આંતરરાજ્ય ઓપરેશન દરમિયાન ઝડપી લીધા હતા. સોમનાથ ડેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર કોલકાતા લાવવામાં આવી રહ્યા છે અને શુક્રવારે બરાકપોર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડીની માંગ કરવામાં આવશે.
આ મામલે પીડિતાના પિતાએ ખરદહ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી નવી FIRના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પરિવારનો આરોપ છે કે, આરોપીઓએ વહીવટી સત્તાનો દુરુપયોગ કરીને અને પરિવાર પર દબાણ બનાવીને બીજા પિંચિંગ/પોસ્ટમોર્ટમની શક્યતાઓને ખતમ કરવા માટે ઉતાવળે અંતિમ સંસ્કાર કરાવ્યા હતા. સ્મશાનગૃહના સરકારી ચોપડે ૩ નંબર પર રહેલી લાઇનને બળજબરીથી ૧ નંબર પર લાવીને, પરિવારના સભ્યોની મંજૂરી કે સહી વિના તેમજ નિયમ મુજબની ફી ચૂકવ્યા વગર જ અંતિમ ક્રિયા પતાવી દેવામાં આવી હતી.
આ કેસમાં ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષ અને પાડોશી સંજીવ મુખર્જી બાદ સોમનાથ ડે ત્રીજા મુખ્ય આરોપી છે જેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ હવે ડે ની કડક પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ કરશે કે આટલી મોટી સ્તરે પુરાવા નાશ કરવાનું ષડયંત્ર કોના ઈશારે ઘડવામાં આવ્યું હતું.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
