News of Tuesday, 1st September 2026
નેપાળના મહાવિનાશક પૂરમાં ચમત્કાર: ચો તરફ તબાહી અને કાટમાળ વચ્ચે ૪૦ વર્ષ જૂનું મકાન અડીખમ ઊભું રહ્યું; ઘરમાલિકે કહ્યું- "મજબૂત સળિયા અને ગુણવત્તાએ અમારો જીવ બચાવ્યો!"
નુવાકોટમાં પૂરના રૌદ્ર સ્વરૂપ સામે ૬ લોકો ચોથા માળે ફસાયા: અડધા કલાક સુધી કાળનો સામનો કર્યા બાદ પાઇપની મદદથી રેસ્ક્યૂ કરાયા; સોશિયલ મીડિયા પર મજબૂત એન્જિનિયરિંગનો વીડિયો વાયરલ

કાઠમંડુ, તા.૦૧: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક અને ભયાનક પૂરે ભારે તબાહી મચાવી છે. પૂરના ધસમસતા પાણી પોતાની સાથે કાદવ, વિરાટ પથ્થરો અને કાટમાળ ઘસડીને લાવ્યા હતા, જેમાં આસપાસના અનેક મકાનો અને બાંધકામો પત્તાના મહેલની જેમ તણાઈ ગયા હતા. પરંતુ આ મહાજળપ્રલય વચ્ચે નેપાળના નુવાકોટ જિલ્લાનું એક ૪૦ વર્ષ જૂનું ઘર ચમત્કારી રીતે અડીખમ ઊભું રહ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઘરની અદ્ભુત મજબૂતાઈ આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની છે.
ચોથા માળે છ જિંદગીઓ ફસાઈ, કાળ સામે ઝીંકી ટક્કર
ઘરના માલિક પ્રકાશ પ્યાકુરેલે તે ભયાનક ક્ષણોને યાદ કરતાં જણાવ્યું હતું કે પૂર આવ્યું ત્યારે તેઓ પોતાની દુકાને હતા. પૂરનો વિકરાળ અવાજ સાંભળી તેઓ તાત્કાલિક ઘરે દોડી ગયા હતા. ઘરમાં તેમના પરિવારના પાંચ સભ્યો અને એક પાડોશી સહિત કુલ છ લોકો ફસાયેલા હતા.
તેમણે કહ્યું, "પાણીનું સ્તર ઝડપથી વધી રહ્યું હોવાથી અમે બધા જીવ બચાવવા ચોથા માળે ભાગી ગયા. લગભગ દોઢથી બે કલાક સુધી એવું જ લાગતું હતું કે આજે જીવનનો છેલ્લો દિવસ છે. મારો દીકરો શાળાએ ગયો હતો અને મને સતત તેની જ ચિંતા કોરી ખાતી હતી. આખરે પાણી ઓછું થતાં બહારથી પાઇપ લગાવીને અમને સક્ષમ રીતે બચાવી લેવાયા હતા."
આખરે આ ઘર પૂરના પ્રચંડ પ્રવાહ સામે કેવી રીતે બચી ગયું?
• જૂના જમાનાનું મજબૂત બાંધકામ: પ્રકાશ પ્યાકુરેલે ખુલાસો કર્યો કે આ ઘર આશરે ૩૫થી ૪૦ વર્ષ જૂનું છે. તે સમયે વપરાયેલા સિમેન્ટ અને લોખંડના સળિયાની ગુણવત્તા અત્યંત શ્રેષ્ઠ હતી. નદીના કિનારે ઘર બનાવવાનું હોવાથી પાયામાં મજબૂત સળિયા ગોઠવવામાં આવ્યા હતા.
• મજબૂત RCC ફ્રેમ અને એન્જિનિયરિંગ: એન્જિનિયરિંગ નિષ્ણાતોના મતે, આ ઘર બચવાનું મુખ્ય કારણ તેની મજબૂત RCC ફ્રેમ છે. સ્તંભો, બીમ અને પાયો સ્ટીલ અને કોંક્રિટના મજબૂત માળખાથી જોડાયેલા હતા, જેના કારણે પૂરે પેદા કરેલા ભયાનક દબાણને આ ઘરે સહન કરી લીધું.
• ભૌગોલિક સ્થાન: પૂરનો સૌથી તીવ્ર પ્રવાહ સીધો ઘર સાથે અથડાવાને બદલે ઘરની બંને બાજુથી વહી ગયો હતો, જેનાથી ઘર પાયામાંથી હલી ન ગયું.
ભલે આ પૂરમાં ઘરની નીચે આવેલા વેરહાઉસમાં રાખેલો દુકાનનો સામાન તણાઈ જતાં ભારે આર્થિક નુકસાન થયું છે, પરંતુ ૪૦ વર્ષ જૂના આ મજબૂત બાંધકામે છ કિંમતી જિંદગીઓ ઉગારી લીધી છે.
(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
