News of Tuesday, 1st September 2026
નેપાળના પૂર બાદ બિહારમાં ખતરો: જળપ્રલયમાં વહીને આવી રહસ્યમય અજાણી માછલીઓ; સરકારે ખાવા અને વેચવા પર મૂક્યો સખત પ્રતિબંધ!
દૂષિત પાણી અને બેક્ટેરિયાના ચેપથી ગંભીર બીમારીઓ થવાની આશંકા; તેવી અજાણી કે આશ્ચર્યજનક માછલીઓ દેખાય તો તુરંત તંત્રને જાણ કરવા કડક એડવાઈઝરી જારી

પટના, તા.૦૧: નેપાળમાં તાજેતરમાં આવેલા વિનાશક અચાનક પૂર (Flash Floods) અને તેના કારણે બિહારની નદીઓમાં સપાટી વધતાં એક નવો જ ભયંકર ખતરો સામે આવ્યો છે. પૂરના પાણી સાથે સરહદ પારથી વહીને આવેલી કેટલાક અજાણ્યા પ્રજાતિના જીવો અને રહસ્યમય માછલીઓ બિહારના જળાશયો તથા પૂરગ્રસ્ત વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેને લઈને તંત્ર ભારે ચિંતામાં મુકાયું છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહારના પશુ અને મત્સ્યઉદ્યોગ સંસાધન વિભાગે તાત્કાલિક અસરથી એડવાઈઝરી જારી કરી છે. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે માછલીઓની પ્રજાતિ અને મૂળ ચકાસી શકાતા નથી, તેવી અજાણી માછલીઓને પકડવી, બજારમાં વેચવી કે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવો અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
વિનાશક પૂર સાથે વહીને આવ્યા ઝેરી વાયરસ અને બેક્ટેરિયા
અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને પૂરના વહેણને કારણે નદીઓ, તળાવો અને સંવર્ધન વિસ્તારોમાંથી માછલીઓ ખેંચાઈને એવા વિસ્તારોમાં પહોંચી ગઈ છે જ્યાં તેઓ સામાન્ય રીતે ક્યારેય જોવા મળતી નથી. બિહાર અને નેપાળ ભૌગોલિક રીતે જોડાયેલા હોવાથી આ પાણી સરહદ પાર કરીને સ્થાનિક જળચર વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યું છે.
વિભાગે ખુલાસો કર્યો છે કે પૂર દરમિયાન માછલીઓ ગટરનું પાણી, મૃત પ્રાણીઓના અવશેષો અને અન્ય ઘાતક પ્રદૂષિત પદાર્થોના સંપર્કમાં આવી છે. તેના કારણે તેમના શરીરમાં ખતરનાક બેક્ટેરિયા, વાયરસ અને રોગકારક જીવાણુઓ પ્રવેશવાની પૂરેપૂરી શક્યતા છે. આવી માછલીઓનું સેવન કરવાથી ઝેરી અસર (Food Poisoning) થઈ શકે છે.
પૂરની માછલીઓના વેચાણ પર પ્રતિબંધ અને સ્વાસ્થ્ય ચેતવણી
બિહાર સરકારે પૂરના પાણીમાંથી પકડાયેલી કે અજાણી માછલીઓના બજારમાં વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. જો કોઈ વ્યક્તિ આવી માછલી ખાધા બાદ નીચે મુજબના લક્ષણો અનુભવે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે:
• ઉલટી અને ઝાડા થવા
• પેટમાં તીવ્ર દુખાવો
• ચક્કર આવવા અથવા શ્વાસ લેવામાં તકલીફ પડવી
તંત્રે લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ અજાણી પ્રજાતિની માછલી દેખાય તો તેની સાથે પ્રયોગ કરવાને બદલે તુરંત સ્થાનિક મત્સ્યઉદ્યોગ અધિકારી અથવા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવી.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
