તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Tuesday, 1st September 2026
પશ્ચિમ બંગાળમાં મોટો આંચકો: મમતા બેનર્જીની ભત્રીજીનો ઘરમાંથી લટકતો મૃતદેહ મળ્યો; શિક્ષક ભરતી કૌભાંડમાં નોકરી ગુમાવ્યા બાદ લીધો અંતિમ નિર્ણય!
૨૮ વર્ષીય બ્રિસ્ટી મુખર્જીની આત્મહત્યાથી રાજકારણમાં ગરમાવો; સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૬,૦૦૦ નોકરીઓ રદ કરાયા બાદથી અનુભવી રહી હતી ભારે તણાવ

કોલકાતા, તા.૦૧: પશ્ચિમ બંગાળના રાજકારણ અને દેશભરમાં ચર્ચિત શિક્ષક ભરતી કૌભાંડ વચ્ચે એક અત્યંત ચોંકાવનારા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પિતરાઈ ભાઈની ૨૮ વર્ષીય પુત્રી બ્રિસ્ટી મુખર્જીનો મૃતદેહ મંગળવારે સવારે બિરભુમ જિલ્લાના રામપુરહાટ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા કુસુમ્બા ગામમાં તેમના નિવાસસ્થાને બીજા માળેથી લટકતી હાલતમાં મળી આવ્યો છે.
સ્થાનિક માહિતી મુજબ, સવારે આશરે ૯ વાગ્યાના સુમારે પરિવારજનોએ બીજા માળના રૂમમાં બ્રિસ્ટીને લટકતી જોઈ હતી. ઘટનાની જાણ થતાં જ રામપુરહાટ પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો, મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે રામપુરહાટ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
કૌભાંડની તપાસ બાદ ગુમાવવી પડી હતી નોકરી
મૃતક બ્રિસ્ટી મુખર્જી બોલપુરની એક ઉચ્ચ પ્રાથમિક શાળામાં બિન-શિક્ષણ કર્મચારી (Non-teaching staff) તરીકે ફરજ બજાવતી હતી. માર્ચ ૨૦૨૩માં રાજ્યમાં કથિત રીતે સગાવાદ અને રોકડ વ્યવહારો દ્વારા ગેરકાયદેસર રીતે મેળવાયેલી લગભગ ૨૬,૦૦૦ શિક્ષણ અને બિન-શિક્ષક કર્મચારીઓની નિમણૂકો કોલકાતા હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી હતી, જેમાં બ્રિસ્ટીએ પણ પોતાની નોકરી ગુમાવવી પડી હતી.
માનસિક તણાવમાં હતી બ્રિસ્ટી
મૃતકના પિતા નિહાર મુખર્જી, મમતા બેનર્જીના મામાના પુત્ર છે અને સ્થાનિક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા છે. કોર્ટ દ્વારા નોકરી ગુમાવનારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી તેમાં બ્રિસ્ટીનું નામ ૬૦૮મા ક્રમે હતું. આ નિર્ણય બાદથી જ તે સતત માનસિક તણાવ અનુભવી રહી હતી. જોકે, પરિવારે એવો પણ દાવો કર્યો છે કે તેણે સ્વાસ્થ્યના કારણોસર અગાઉથી જ રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૬ના આ બહુચર્ચિત 'કેશ-ફોર-જોબ' કૌભાંડમાં પૂર્વ શિક્ષણ પ્રધાન પાર્થ ચેટર્જી સહિત તૃણમૂલ કોંગ્રેસના ઘણા ધારાસભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
