<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘Bombdead’ લખેલો કાગળ મળતા ખળભળાટ :અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાયું

સાઉદી અરેબિયાના દમામથી દિલ્હી જતી ફ્લાઈટમાં સવાર 32 મુસાફરો અને 7 ક્રુ મેમ્બર્સની તપાસ :બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિતની ટીમે તપાસ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા ફ્લાઈટ દિલ્હી રવાના થઈ

સાઉદી અરેબિયાના દમામથી નવી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બાથરૂમમાંથી ‘Bombdead’ લખેલો કાગળ મળી આવતા સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. કાગળ મળ્યા બાદ ક્રુ મેમ્બરે તાત્કાલિક પાઈલટને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફ્લાઈટને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

 

પ્રાથમિક માહિતી મુજબ, વિમાનના બાથરૂમમાં ક્રુ મેમ્બરને કાગળ મળ્યો હતો, જેના પર અંગ્રેજીમાં ‘Bombdead’ લખેલું હતું. આ લખાણને ધમકી તરીકે લઈને સુરક્ષા પ્રોટોકોલ મુજબ પાઈલટે ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી હતી.

 

 

ફ્લાઈટમાં કુલ 32 મુસાફરો સવાર હતા. ઈમર્જન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મુસાફરોને બસ મારફતે એરપોર્ટના ટર્મિનલ-2 ખાતે ખસેડવામાં આવ્યા હતા. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર પ્રક્રિયા સુરક્ષા વ્યવસ્થા હેઠળ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફ્લાઈટમાં સવાર સાત ક્રુ મેમ્બર્સની પણ તપાસ કરવામાં આવી હતી.

 

 

કાગળ મળ્યા બાદ એરપોર્ટ ઓથોરિટી, CISF, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિમાનની સઘન તપાસ શરૂ કરી હતી. વિમાનના અંદરના વિવિધ ભાગો, બાથરૂમ સહિતના વિસ્તારોની ચકાસણી કરવામાં આવી હતી. સુરક્ષા ટીમો દ્વારા કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી હતી.

 

સુરક્ષા એજન્સીઓની તપાસ દરમિયાન હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ ઉપરાંત વિમાનમાં કોઈ વિસ્ફોટક સામગ્રી હોવાના પુરાવા પણ મળ્યા નથી. તપાસમાં સ્થિતિ સામાન્ય હોવાનું જણાતા ફ્લાઈટને મુસાફરો સાથે દિલ્હી જવા માટે રવાના કરવામાં આવી હતી. જોકે, બાથરૂમમાંથી મળેલા કાગળને લઈને તપાસ હજુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 

એરપોર્ટ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હવે ‘Bombdead’ લખેલો કાગળ કોણે મૂક્યો તે દિશામાં તપાસ કરી રહી છે. આ લખાણ કોઈ મજાકના ભાગરૂપે લખવામાં આવ્યું હતું કે પછી જાણીજોઈને ધમકી આપવા માટે મૂકવામાં આવ્યું હતું, તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટના તમામ મુસાફરો અને સાત ક્રુ મેમ્બર્સના લખાણના નમૂના મેળવી મળેલા કાગળના લખાણ સાથે મેચ કરવામાં આવશે. એક-એક મુસાફરની સઘન તપાસ કર્યા બાદ જ બોર્ડિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

(11:50 PM IST)