News of Thursday, 13th August 2026
આરજી કર કેસમાં ૨ વર્ષ બાદ સનસનાટીભર્યો ધડાકો: TMCના ભૂતપૂર્વ ધારાસભ્યની ધરપકડ, લાઈનમાં પડેલા ૨ મૃતદેહોને બાયપાસ કરી જુનિયર ડૉક્ટરના ઉતાવળે અગ્નિસંસ્કાર કરાયા હતા!
પુરાવાનો નાશ કરવા અને પરિવારની સંમતિ વગર દબાણપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનો ગંભીર આરોપ; પીડિતાના પિતાની નવી એફઆઈઆર બાદ ઓડિશાથી નિર્મલ ઘોષ દબોચાયા

કોલકાતા: તા.13 પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની ચર્ચિત આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ૨ વર્ષ પહેલાં બનેલી જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને ભયાનક હત્યાની ઘટનામાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ કાળજા કંપાવી દેતા કેસમાં પીડિતાના મૃતદેહને ઉતાવળમાં અને બળજબરીથી સળગાવી દઈ પુરાવાનો નાશ કરવાના ગંભીર આરોપ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ભૂતપૂર્વ ધારાસભ્ય નિર્મલ ઘોષની ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે. પાનિહાટીના આ ભૂતપૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા, સાક્ષી-પુરાવા છુપાવવા અને પીડિતાના પરિવાર પર માનસિક દબાણ લાવવા બદલ કડક કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ સનસનાટીભર્યા કેસની વિગત મુજબ, પીડિતાની બીજી પુણ્યતિથિ પ્રસંગે પીડિતાના પિતાએ બેરકપુર પોલીસ કમિશનરેટ હેઠળના ખર્દાહ પોલીસ સ્ટેશનમાં એક નવી અને ચોંકાવનારી ફરિયાદ નોંધાવી હતી. પરિવારનો સ્પષ્ટ આરોપ હતો કે ઘટના બાદ નિર્મલ ઘોષ સહિતના પ્રભાવશાળી લોકોએ પરિવારની સંમતિ લીધા વિના અને ભારે દબાણ કરીને ડૉક્ટરના મૃતદેહના અંતિમ સંસ્કાર કરાવી દીધા હતા. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના કડક નિર્દેશો બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી સીબીઆઈ દ્વારા ચાલતી મુખ્ય બળાત્કાર-હત્યા કેસની તપાસથી અલગ છે.
પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારો પર્દાફાશ થયો છે કે, ૯ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ ૩૧ વર્ષીય પીડિત ડૉક્ટરનો મૃતદેહ સેમિનાર રૂમમાંથી મળી આવ્યા બાદ તેને પાનિહાટી સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં પહેલાથી અગ્નિસંસ્કાર માટે વેઇટિંગ લાઈનમાં રહેલા અન્ય બે મૃતદેહોને સાઈડમાં ધકેલીને, તમામ સરકારી પ્રક્રિયાઓ બાયપાસ કરીને ઉતાવળે ડૉક્ટરના અગ્નિસંસ્કાર કરી દેવાયા હતા. આટલું જ નહીં, અંતિમ સંસ્કારના સરકારી સંમતિ પત્રક પર પીડિતાના માતા-પિતા કે સંબંધીઓને બદલે પડોશીઓ પાસે સહીઓ કરાવી લેવાઈ હતી અને સરકારી ફી પણ માફ કરી દેવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ ૨૦૨૪ માં બનેલી આ ક્રૂર ઘટના બાદ કોલકાતા પોલીસ પાસેથી તપાસ આંચકીને સીબીઆઈને સોંપવામાં આવી હતી, જેમાં એક મુખ્ય આરોપીને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયો છે અને હાલ કેસ કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. જોકે, પુરાવાનો નાશ કરવા માટે રચાયેલા આ નવા કાવતરાનો પર્દાફાશ થતાં તૃણમૂલ કોંગ્રેસ અને સ્થાનિક રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
