News of Friday, 7th August 2026
તમિલનાડુ વેત્રી કઝગમના વડા વિજય માટે મોટા રાહતના સમાચાર: પત્ની સંગીતા સોર્નાલિંગમે ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડાની અરજી પરત ખેંચી
બેવફાઈ અને ભાવનાત્મક અંતરના આક્ષેપો વચ્ચે ચર્ચાસ્પદ બનેલો હાઈ-પ્રોફાઈલ કાનૂની વિવાદ આખરે શાંત: પરિવારમાં ફરી એકતા સ્થાપિત થવાના સંકેતો

ચેન્નઈ: તા.૦૭: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અને તમિલનાડુ વેત્રી કઝગમ (TVK) ના વડા વિજયના અંગત જીવનને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમની પત્ની સંગીતા સોર્નાલિંગમે ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી છૂટાછેડાની અરજી સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નિર્ણય બાદ છેલ્લા કેટલાક સમયથી બંનેના સંબંધોમાં ચાલી રહેલી કડવાશ અને કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે, જેનાથી વિજયના પ્રશંસકો અને સમર્થકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સંગીતા સોર્નાલિંગમે ચેંગલપટ્ટુ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી, જેણે દેશભરના સિનેમા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાડી હતી. પોતાની અરજીમાં તેમણે લગ્નજીવનમાં 'બેવફાઈ' અને વિજયના બદલાયેલા વલણને મુખ્ય કારણ તરીકે દર્શાવ્યા હતા. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે વિજય સમય જતાં પરિવારથી ભાવનાત્મક રીતે દૂર થઈ ગયા હતા અને પોતાના કૌટુંબિક જીવન પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યા હતા.
અરજીમાં વધુમાં જણાવાયું હતું કે વિજય અવારનવાર વિદેશ પ્રવાસે જતા હતા અને એક અનામી અભિનેત્રી સાથે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળતા હતા. આ પરિસ્થિતિને કારણે સંગીતા પોતે અને તેમનાં બે બાળકો માનસિક રીતે ભારે દુઃખી અને અસ્વસ્થ રહ્યાં હતાં. જોકે, હવે આ વિવાદિત અરજી પરત ખેંચાતાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે પરિવારે આપસી સમજાવટથી પોતાના મતભેદો ઉકેલી લીધા છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
