News of Wednesday, 8th April 2026
તાઇવાન પર ચીની તોળાયું સંકટ: અમેરિકાની નબળાઈનો લાભ લઈ ડ્રેગન કરશે હુમલો?
ઈરાન સાથેના ૪૦ દિવસના યુદ્ધે અમેરિકી સૈન્ય ભાથું ખાલી કર્યું, તાઇવાનની મધ્ય રેખા ઓળંગી ચીની વિમાનો અને યુદ્ધ જહાજોની ઘૂસણખોરીથી એશિયા-પેસિફિકમાં યુદ્ધના ભણકારા

તાઈપેઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે ભલે બે સપ્તાહનો યુદ્ધવિરામ થયો હોય, પરંતુ આ સંઘર્ષે વૈશ્વિક સ્તરે અમેરિકાની લશ્કરી મર્યાદાઓ ખુલ્લી પાડી દીધી છે. ૮ એપ્રિલની સવારે ચીની સેના એ તાઇવાનના હવાઈ ક્ષેત્રમાં બે ફાઈટર પ્લેન મોકલી અને નવ નૌકાદળના જહાજો સાથે ઘેરાબંધી કરીને આક્રમક તેવર બતાવ્યા છે. તાઇવાનના રક્ષણ માટે અમેરિકા પ્રતિબદ્ધ હોવા છતાં, ઈરાન સામેના જંગમાં દક્ષિણ કોરિયાથી THAAD મિસાઇલો આયાત કરવી પડી હોવાથી તેની શસ્ત્રાગાર શક્તિ પર સવાલો ઉભા થયા છે.
નિષ્ણાતો માને છે કે ચીન હવે અમેરિકાના ઘટતા સંસાધનો અને રાજકીય અસ્થિરતાનો લાભ લેવાની ફિરાકમાં છે. ટ્રમ્પ વહીવટીતંત્ર અત્યારે આંતરિક દબાણ, ફુગાવો અને સાથી દેશો સાથેના તણાવપૂર્ણ સંબંધોમાં ફસાયેલું છે. જો ચીન તાઇવાન પર 'ગ્રે-ઝોન' વ્યૂહરચના હેઠળ સાયબર હુમલા કે સમુદ્રી નાકાબંધી કરે, તો શું અમેરિકા સંપૂર્ણ તાકાતથી હસ્તક્ષેપ કરશે તે બાબતે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા સાથી દેશોમાં પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે.
તાઇવાન સ્ટ્રેટમાં ચીનની વધતી સક્રિયતા વૈશ્વિક વેપાર માટે જોખમી સાબિત થઈ શકે છે. જો ચીન હોર્મુઝ સ્ટ્રેટની જેમ તાઇવાનના સમુદ્રી માર્ગો બ્લોક કરે તો દુનિયા ફરી એકવાર આર્થિક કટોકટીમાં ધકેલાઈ શકે છે. તાઇવાન હાલ હાઈ એલર્ટ પર છે અને પોતાના સંરક્ષણને મજબૂત કરી રહ્યું છે, પરંતુ ચીન જે રીતે તકની રાહ જોઈ રહ્યું છે તે જોતા એશિયામાં ગમે ત્યારે મોટો વિસ્ફોટ થવાની સંભાવના છે.
(8:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
