News of Monday, 6th April 2026
બંગાળ સરકારને સુપ્રીમ કોર્ટનો સખત ફટકો: માલદા હિંસા મામલે મુખ્ય સચિવ અને DGPની આકરી ઝાટકણી
"શું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કંઈ છે જ નહીં?" – સુપ્રીમ કોર્ટે બંગાળના ટોચના અધિકારીઓની શિથિલતા પર વ્યક્ત કર્યો પ્રચંડ રોષ : માલદા હિંસાના પુરાવા અને પોલીસની નિષ્ક્રિયતા પર સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરતા વહીવટી તંત્રમાં ફફડાટ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના માલદામાં ફાટી નીકળેલી હિંસાના પડઘા હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં પડ્યા છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા બંગાળ સરકારના બે સૌથી શક્તિશાળી અધિકારીઓ — મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકન આડેહાથ લીધા હતા. કોર્ટે તેમની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે તંત્ર શું કરી રહ્યું હતું? ન્યાયાધીશોએ કડક શબ્દોમાં ઠપકો આપતા કહ્યું કે, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ પોતાની જવાબદારીઓમાંથી છટકી શકે નહીં, ખાસ કરીને જ્યારે સામાન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં હોય.
અદાલતમાં રજૂ કરવામાં આવેલા અહેવાલો મુજબ, માલદામાં થયેલી હિંસા દરમિયાન પોલીસની ભૂમિકા અત્યંત શંકાસ્પદ અને ઢીલી રહી હતી. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે હિંસાને રોકવા માટે જે તત્પરતા બતાવવી જોઈતી હતી તેનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. DGP ને સંબોધતા કોર્ટે કહ્યું કે, રાજ્યમાં પોલીસ દળનો ઉપયોગ રાજકીય સાધન તરીકે નહીં પરંતુ કાયદાના રક્ષણ માટે થવો જોઈએ. આ ઠપકા બાદ બંગાળના સત્તાવાર વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે, કારણ કે સર્વોચ્ચ અદાલતે હવે આ કેસમાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
માલદા કેસની આ સુનાવણી દરમિયાન રાજ્ય સરકારની બચાવ દલીલોને કોર્ટે નકારી કાઢી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ કોઈ વિકલ્પ નથી પરંતુ બંધારણીય ફરજ છે. હવે આગામી સુનાવણીમાં બંગાળ સરકારે લેખિતમાં ખુલાસો આપવો પડશે કે હિંસા રોકવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ વિરુદ્ધ શું પગલાં લેવામાં આવ્યા છે. દિલ્હીના ન્યાયિક વર્તુળોમાં આ કેસને બંગાળની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટેના 'ટર્નિંગ પોઈન્ટ' તરીકે જોવામાં આવી રહ્યો છે.
(6:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
