News of Sunday, 5th April 2026
સુપ્રીમ કોર્ટનો સણસણતો સવાલ: કાયદાઓથી નહીં, માનસિકતા બદલવાથી અટકશે સ્ત્રીઓ પરની હિંસા : પત્નીને સળગાવનારની અરજી ફગાવી
માત્ર કડક સજા પૂરતી નથી, સમાજમાં સ્ત્રીઓને 'વસ્તુ' સમજવાની પિતૃસત્તાક વિચારસરણી જ ગુનાઓનું મૂળ કારણ હોવાનું સુપ્રીમ કોર્ટનું અવલોકન : 'સામાજિક ક્રાંતિ' વગર કાયદાકીય રક્ષણ અધૂરું હોવાની જસ્ટિસ સંજય કરોલની બેંચની આકરી ટિપ્પણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મહિલાઓ વિરુદ્ધ વધતી હિંસા મામલે સમાજને અરીસો બતાવતા અત્યંત ગંભીર ટિપ્પણી કરી છે. જસ્ટિસ સંજય કરોલ અને એન. કોટીશ્વર સિંહની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતમાં સ્ત્રીઓના રક્ષણ માટે પૂરતા કાયદાઓ અસ્તિત્વમાં છે, પરંતુ તે જમીની સ્તરે ત્યારે જ અસરકારક સાબિત થશે જ્યારે સમાજ પોતાની વર્ષો જૂની સંકુચિત માનસિકતા ત્યાગશે. કોર્ટે ખેદ વ્યક્ત કર્યો કે બંધારણ ગૌરવ સાથે જીવવાનો અધિકાર આપે છે, તેમ છતાં મહિલાઓ આજે પણ ઘરથી લઈને કાર્યસ્થળ સુધી અસુરક્ષિત અનુભવે છે.
આ ઐતિહાસિક ટિપ્પણી એક ભયાનક કેસની સુનાવણી દરમિયાન આવી હતી, જેમાં શંકર નામના શખ્સે પોતાની પત્નીને જીવતી સળગાવી દીધી હતી. નીચલી અદાલત અને હાઈકોર્ટે આપેલી આજીવન કેદની સજાને પડકારતી આરોપીની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પીડિતાના અંતિમ નિવેદન (ડાઈંગ ડેકલેરેશન) ને સચોટ પુરાવો માનતા કોર્ટે કહ્યું કે આવા જઘન્ય અપરાધો પાછળ પિતૃસત્તાક વિચારસરણી જવાબદાર છે, જે મહિલાઓને સમાન દરજ્જો આપવાને બદલે તેમને માત્ર એક 'વસ્તુ' તરીકે જુએ છે.
કોર્ટે ભાર પૂર્વક જણાવ્યું કે હવે દેશમાં માત્ર કાનૂની લડાઈ નહીં પરંતુ 'સામાજિક ક્રાંતિ'ની તાતી જરૂરિયાત છે. શિક્ષણ અને જાગૃતિ દ્વારા નવી પેઢીને એ શીખવવું પડશે કે મહિલાઓ પ્રત્યે આદર રાખવો એ કોઈ ઉપકાર નથી, પરંતુ તેમનો મૂળભૂત અધિકાર છે. જ્યાં સુધી સ્ત્રીઓને જોવાનો સામાજિક દ્રષ્ટિકોણ નહીં બદલાય, ત્યાં સુધી ગમે તેટલા મજબૂત કાયદાઓ પણ હિંસાની આ આગને ઠારવામાં નિષ્ફળ નીવડશે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
