News of Sunday, 5th April 2026
રાહુલ ગાંધીની આસામમાં ગર્જના: "હિમંત બિસ્વા શર્મા દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી, જેલના દરવાજા ખખડાવશે કોંગ્રેસના બબ્બર શેર"
ભ્રષ્ટાચાર, જમીન કૌભાંડ અને દિલ્હીના 'રિમોટ કંટ્રોલ' શાસન પર આકરા પ્રહારો કરતા વિપક્ષી નેતાએ આસામની જનતાને આપ્યા મસમોટા વચનો: ભાજપના 'ATM' મોડલને ઉખેડી ફેંકવા આહ્વાન

બિસ્વાનાથ: આસામના રાજકીય રણમેદાનમાં ગરમાવો લાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સામે યુદ્ધનું એલાન કર્યું છે. એક તોતિંગ જનમેદનીને સંબોધતા રાહુલે સીધો પ્રહાર કર્યો કે, "હિમંત બિસ્વા શર્મા માત્ર આસામના જ નહીં, પણ સમગ્ર દેશના સૌથી ભ્રષ્ટ મુખ્યમંત્રી છે." તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ સત્તાના જોરે જમીન હડપવાનું જે જાળ બિછાવ્યું છે, તેનાથી તેઓ રાત્રે ઊંઘી પણ શકતા નથી. રાહુલે ખૂબ જ આક્રમક અંદાજમાં ચેતવણી આપી હતી કે કોંગ્રેસના 'બબ્બર શેર' જેવા કાર્યકરો આ ભ્રષ્ટાચારનો હિસાબ લેશે અને હિમંત બિસ્વા શર્માને જેલના સળિયા પાછળ ધકેલ્યા વગર જંપશે નહીં. તેમણે ઉમેર્યું કે મુખ્યમંત્રીએ પોતાના પરિવારને પણ આ કાળા કારોબારમાં સામેલ કર્યો છે, જેના કારણે કાયદાકીય કાર્યવાહીનો વ્યાપ હવે કોઈને છોડશે નહીં.
ભાજપના કેન્દ્રીય નેતૃત્વને નિશાના પર લેતા રાહુલ ગાંધીએ સનસનાટીભર્યો આરોપ લગાવ્યો કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે આસામને ભાજપનું 'ATM' બનાવી દીધું છે. તેમણે દાવો કર્યો કે રાજ્યની કિંમતી જમીનો વિવિધ પ્રોજેક્ટ્સના બહાને સ્થાનિકો પાસેથી છીનવીને મોટા ઉદ્યોગપતિઓને પધરાવી દેવામાં આવે છે, જેની પાછળ મોટા પાયે નાણાકીય લેતીદેતી ચાલે છે. રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે આસામની સરકાર ગુવાહાટીથી નહીં પણ દિલ્હીથી રિમોટ કંટ્રોલ દ્વારા ચાલે છે, જે રાજ્યની સ્વાયત્તતા અને અસ્મિતા માટે જોખમી છે. હિમંત બિસ્વા શર્મા પર સાંપ્રદાયિકતાનો ઝેર ફેલાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, જનતા હવે આ ડબલ એન્જિન સરકારની છેતરપિંડી સમજી ગઈ છે અને આગામી ચૂંટણીમાં તેનો જડબાતોડ જવાબ આપશે.
માત્ર પ્રહારો જ નહીં, પણ રાહુલ ગાંધીએ આસામના મતદારોને રીઝવવા માટે લોભામણી જાહેરાતોનો પિટારો પણ ખોલ્યો હતો. તેમણે વચન આપ્યું હતું કે જો કોંગ્રેસ સત્તા પર આવશે, તો આસામના છ વંચિત સમુદાયોને SC/STનો દરજ્જો અપાશે અને ચાના બગીચાના મજૂરોનું દૈનિક વેતન વધારીને ₹450 કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણ માટે દરેક મહિલાને બિનશરતી માસિક આર્થિક સહાય અને યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ₹50,000ની તાત્કાલિક મદદની ખાતરી આપી હતી. તેમણે રાજ્યમાં ચર્ચિત ઝુબીન ગર્ગ કેસમાં 100 દિવસમાં ન્યાયની ખાતરી આપીને ભાવનાત્મક કાર્ડ પણ ખેલ્યું હતું. રાહુલના આ તેવરથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં આસામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો જંગ વધુ તેજ અને વ્યક્તિગત આક્ષેપોથી ભરેલો રહેશે.
(6:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
