<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

આભ ફાટ્યું ને આફત આવી: દેશભરમાં કુદરતનો પ્રકોપ, વાવાઝોડા સાથે કરા પડતા ખેતીનો કચ્ચરઘાણ

પશ્ચિમી વિક્ષેપના કારણે ઉત્તરથી દક્ષિણ સુધી ૧૮ રાજ્યોમાં તોફાની વરસાદી માહોલ અને ૭૦ કિમીની ઝડપે ફૂંકાતા પવને મચાવી ભારે તબાહી, દિલ્હી-યુપી સહિતના વિસ્તારોમાં કરા પડતા તૈયાર પાક જમીનદોસ્ત અને હવામાન વિભાગ દ્વારા આગામી ૪૮ કલાક માટે રેડ એલર્ટ જાહેર

નવી દિલ્હી:દેશના હવામાનમાં આવેલા પલટાએ રવિવારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા અનેક રાજ્યોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતા જમ્મુ-કાશ્મીરથી લઈને દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધીના વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો છે. અનેક સ્થળોએ ૬૦ થી ૭૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ વૃક્ષો અને વીજળીના થાંભલાઓને ધરાશાયી કરી દીધા છે, જેના કારણે મોટા પાયે બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચેતવણી આપી છે કે આ આકાશી આફત હજુ શાંત થવાની નથી અને આગામી સાત દિવસ સુધી તાપમાન સામાન્ય કરતા નીચું રહેશે, જેની સીધી અસર જનજીવન પર પડશે.

ખાસ કરીને ખેતીવાડી ક્ષેત્રે આ કુદરતી આફતે ભારે વિનાશ વેર્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિતના વિસ્તારોમાં મોટા કદના કરા પડવાને કારણે ખેડૂતોનો તૈયાર થયેલો પાક સોથ વળી ગયો છે. ખેતરોમાં લહેરાતો ઘઉં અને અન્ય રવિ પાક જમીનદોસ્ત થઈ જતા ધરતીપુત્રોની આંખમાં આંસુ આવી ગયા છે. બિહાર અને ઝારખંડમાં પણ ૮ એપ્રિલ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ભારતના કેરળ અને તમિલનાડુમાં પણ કુદરતનો મિજાજ બદલાયેલો રહેશે. હવામાન વૈજ્ઞાનિકોના મતે ૭ અને ૮ એપ્રિલના રોજ આ તોફાનની તીવ્રતા સૌથી વધુ રહેવાની શક્યતા છે, જે વધુ નુકસાન પહોંચાડી શકે છે.

રાજધાની દિલ્હીમાં શનિવારથી શરૂ થયેલો વરસાદનો સિલસિલો રવિવારે પણ યથાવત રહ્યો છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. હવામાન વિભાગે પૂર્વ અને મધ્ય ભારત માટે પણ હાઈ-એલર્ટ જાહેર કર્યું છે, જેમાં છત્તીસગઢ અને વિદર્ભ પ્રદેશમાં વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સતત બદલાતા હવામાનને પગલે તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા અપીલ કરવામાં આવી છે. પશ્ચિમી વિક્ષેપની આ સક્રિયતાએ માત્ર પારો જ નથી ગગડાવ્યો, પરંતુ દેશના અર્થતંત્રના પાયા સમાન કૃષિ જગતને પણ મરણતોલ ફટકો માર્યો છે.

(11:15 AM IST)