તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મમતા બેનર્જીની સુરક્ષામાં સેંઢ: માલદામાં હેલિકોપ્ટર પાસે રહસ્યમય ડ્રોન દેખાતા મચ્યો હડકંપ
મુખ્યમંત્રી હેલિકોપ્ટરમાં સવાર થવાની તૈયારીમાં હતા ત્યારે જ અજ્ઞાત ડ્રોન હેલિપેડ પર મંડરાતા સુરક્ષા એજન્સીઓના જીવ અધ્ધર અને વીવીઆઈપી પ્રોટોકોલના ધજાગરા ઉડતા ઉચ્ચસ્તરીય તપાસના આદેશ

માલદા:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સુરક્ષામાં ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવતા સુરક્ષા બેડામાં દોડધામ મચી ગઈ છે. માલદાના માલતીપુરમાં ચૂંટણી રેલી પૂર્ણ કર્યા બાદ જ્યારે મુખ્યમંત્રી હેલિપેડ પર પહોંચ્યા, ત્યારે એક રહસ્યમય ડ્રોન તેમના હેલિકોપ્ટરની બિલકુલ નજીક ઉડતું જોવા મળ્યું હતું. આ અણધારી ઘટનાને પગલે મમતા બેનર્જી પોતે હેબતાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક હેલિકોપ્ટરમાં બેસવાનું માંડી વાળીને પોલીસ અધિકારીઓને આ શંકાસ્પદ ડ્રોન પર નજર રાખવા અને તેના સંચાલકની શોધ કરવા કડક સૂચના આપી હતી. હાઈ-પ્રોફાઈલ સુરક્ષા ઘેરા વચ્ચે અજ્ઞાત ડ્રોનનું આગમન તંત્રની મોટી નિષ્ફળતા તરફ આંગળી ચીંધી રહ્યું છે.
આ ઘટનાએ એ સમયે ગંભીર વળાંક લીધો જ્યારે મુખ્યમંત્રીએ જાતે જ માઈક હાથમાં લઈને પોલીસને સતર્ક રહેવા લલકાર્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, માલતીપુરની સભા બાદ મમતા બેનર્જી ગાજોલ જવા માટે રવાના થવાના હતા, પરંતુ હેલિપેડ પર ડ્રોનના અતિક્રમણને કારણે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય એ છે કે નો-ફ્લાય ઝોન અને કડક પોલીસ બંદોબસ્ત હોવા છતાં આ ડ્રોન હેલિકોપ્ટરની એટલી નજીક કેવી રીતે પહોંચ્યું? હાલમાં સ્થાનિક પોલીસ અને સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ આ વિસ્તારના તમામ સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને ડ્રોન ઓપરેટરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી મમતા બેનર્જીની હવાઈ સફરમાં સતત અવરોધો આવી રહ્યા છે, જે તેમની સુરક્ષા માટે જોખમ ઉભું કરી રહ્યા છે. અગાઉ ક્યારેક ખરાબ હવામાનને કારણે વિમાન આકાશમાં ચક્કર લગાવતું રહ્યું હતું, તો ક્યારેક પ્રતિકૂળ સંજોગોમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. હવે માલદામાં સર્જાયેલી આ ડ્રોન-કટોકટીએ રાજકીય ગરમાવો વધારી દીધો છે. રાજ્ય સરકારે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે, કારણ કે ચૂંટણીના માહોલમાં મુખ્યમંત્રી જેવી અતિ મહત્વની વ્યક્તિની સુરક્ષામાં આવી ચૂક કોઈ મોટા કાવતરાનો ભાગ હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
