News of Thursday, 2nd April 2026
દુનિયાના સૌથી દુઃખી દેશોઃ જ્યાં ખાવા માટે પણ લોકો મારે છે વલખાં
એવા દેશો પણ છે જ્યાં ‘ખુશી' શબ્દ માત્ર ડિક્શનરીમાં જ સીમિત રહી ગયો છે : વિશ્વના સૌથી નાખુશ દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સતત પ્રથમ સ્થાને

નવી દિલ્હી,તા.૦૨: જ્યારે પણ આપણે કોઈ દેશ વિશે વિચારીએ છીએ, ત્યારે મનમાં સુંદર લોકેશન અને સુખ-સુવિધાના દ્રશ્યો આવે છે. પરંતુ દુનિયાના નકશા પર કેટલાક એવા દેશો પણ છે જ્યાં 'ખુશી' શબ્દ માત્ર ડિક્શનરીમાં જ સીમિત રહી ગયો છે.
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટના હાલનાં અહેવાલ મુજબ, વિશ્વના સૌથી નાખુશ દેશોની યાદીમાં અફઘાનિસ્તાન સતત પ્રથમ સ્થાને રહ્યું છે. કોઈપણ દેશની ખુશીનો આધાર તે દેશના કુલ ઘરેલું ઉત્પાદન (GDP), સામાજિક સમર્થન, વ્યક્તિગત સ્વતંત્રતા અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ જેવા મહત્વના પરિબળો પર રહેલો હોય છે.
અફઘાનિસ્તાન સૌથી ખરાબ હાલતમાં જીવી રહ્યો છે, કારણ કે વર્ષોથી ચાલી રહેલા યુદ્ધ અને ત્યારબાદ તાલિબાનના શાસને આ દેશને પાયમાલ કરી દીધો છે. અહીં મહિલાઓની આઝાદી છીનવાઈ ગઈ છે, શિક્ષણનો અભાવ છે અને માનવ અધિકારના નામે કશું જ બાકી નથી. ભૂખમરો અને બેરોજગારી એટલી હદે વધી ગઈ છે કે, લોકો પોતાના બાળકોને વેચવા મજબૂર બન્યા છે. આ જ કારણ છે કે, અફઘાનિસ્તાન સતત વિશ્વનો સૌથી નાખુશ દેશ બની રહ્યો છે.
અફઘાનિસ્તાન પછી આ યાદીમાં લેબનોન અને સિયેરા લિયોન જેવા દેશો આવે છે. લેબનોનમાં ચાલી રહેલા ગંભીર આર્થિક પતને દેશના ચલણનું મૂલ્ય તોડી નાખ્યું છે. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી છે કે, મધ્યમ વર્ગના લોકોએ પણ પાયાની ખાદ્ય જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લેબનોન એક સમયે 'મધ્ય પૂર્વનું પેરિસ' ગણાતું હતું, અને બેરુત ધડાકા બાદ અહીંની સ્થિતિ વધુ વણસી છે. હાલ લેબનોનની કરન્સીની કિમત શૂન્ય જેવી થઈ ગઈ છે અને મોંઘવારી આસમાને છે. સામાન્ય જરૂરિયાતની વસ્તુઓ જેમ કે વીજળી અને પાણી માટે પણ લોકોએ સંઘર્ષ કરવો પડે છે, જેના કારણે અહીંના નાગરિકોમાં ભારે હતાશા અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.
કેમ આ દેશો છે આટલા દુઃખી? કોઈપણ દેશની ખુશી માપવા માટે માત્ર પૈસા જ જરૂરી નથી, પરંતુ ઘણા પરિબળો જવાબદાર હોય છે. જેમ કે ભ્રષ્ટાચાર. સરકારમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર જનતાનો વિશ્વાસ તોડી નાખે છે. સામાજિક સુરક્ષા એ બીમારી કે બેરોજગારીના સમયે દેશ તમારી સાથે ઊભો છે કે નહીં તે જોવામાં આવે છે. સ્વતંત્રતા સૌથી મહત્વની હોય છે, કારણ કે કોઈપણ વ્યક્તિને પોતાના વિચારો રજૂ કરવાનો હક અને આઝાદીથી જીવવા દેવા જોઈએ, પરંતુ અહીં લોકો સામાન્ય જીવન જીવવા માટે પણ તડપી રહ્યા છે. આ સાથે આર્થિક સુવિધાનો અભાવ અને પાયાની સુવિધાઓની અછત જોવા મળે છે.
યુદ્ધગ્રસ્ત દેશો અને આંતરિક સંઘર્ષોથી ઘેરાયેલા આફ્રિકન દેશોમાં સુરક્ષા એ એક સપનું બનીને રહી ગઈ છે. ત્યાંના લોકો હિસા, ભૂખમરો અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓથી ઘેરાયેલા હોવાથી તેમના જીવનમાં ખુશી મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આ યાદીમાં આફ્રિકન દેશો જેમ કે ઝિમ્બાબ્વે, સિયેરા લિયોન અને કોંગો પણ સામેલ છે. ઝિમ્બાબ્વેમાં વર્ષોથી ચાલી રહેલી મોંઘવારી એ લોકોનું જીવવું હરામ કરી દીધું છે.
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને ઝિમ્બાબ્વે જેવા દેશોમાં રાજકીય અસ્થિરતા અને બેકાબૂ મોંઘવારીએ લોકોના રોજિદા જીવનને વેરવિખેર કરી નાખ્યું છે. એવું કહેવામાં આવે છે કે, આ દેશોમાં ભ્રષ્ટાચારને કારણે આંતરરાષ્ટ્રીય મદદ પણ ગરીબ લોકો સુધી પહોંચી શકતી નથી.
ભારતની સ્થિતિ શું છે? ભારતની વાત કરવામાં આવે તો, ભારત તેના પાડોશી દેશો કરતા પણ હેપીનેસ ઈન્ડેક્સમાં ઘણું પાછળ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પણ આ લિસ્ટમાં ભારત કરતા ઉપર જોવા મળે છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે. માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક સમાનતા પર હજુ ઘણું કામ કરવાની જરૂર છે.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
