<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

મહારાષ્ટ્રની રાજનીતિમાં 'શ્રીકાંત'નો ઉદય: એકનાથ શિંદેએ પુત્રને સોંપી મુંબઈના કિલ્લા જીતવાની કમાન!

લોકસભામાં મુંબઈમાં શૂન્ય બેઠક મળ્યા બાદ શિવસેના એક્શન મોડમાં: 48 બેઠકો માટે સંપર્ક વડાઓની જાહેરાત સાથે શ્રીકાંત શિંદેને મુંબઈની તમામ 6 બેઠકો અને થાણેની મોટી જવાબદારી

મુંબઈ:  શિવસેનાના મુખ્ય નેતા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પક્ષના સંગઠનમાં ધરખમ ફેરફાર કરતા પોતાના પુત્ર અને સાંસદ ડૉ. શ્રીકાંત શિંદેને મોટી જવાબદારી સોંપી છે. મુંબઈમાં ગત ચૂંટણીમાં પક્ષની નબળી કામગીરી બાદ, હવે મુંબઈની તમામ છ લોકસભા બેઠકો માટે શ્રીકાંત શિંદેને 'સંપર્ક વડા' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિર્ણય સાથે પક્ષમાં તેમનું કદ સત્તાવાર રીતે ઊંચું આવ્યું છે અને તેઓ આગામી ચૂંટણીઓમાં શિવસેનાના મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવશે.

 શિંદે જૂથની શિવસેનાએ રાજ્યની તમામ 48 બેઠકો માટે સંપર્ક વડાઓની યાદી જાહેર કરી તૈયારીઓ તેજ કરી છે. શ્રીકાંત શિંદેને મુંબઈ ઉપરાંત થાણે લોકસભા મતવિસ્તારની પણ જવાબદારી અપાઈ છે. તેમની ટીમમાં મંત્રી યોગેશ કદમ અને નિલેશ રાણે જેવા નેતાઓનો પણ સમાવેશ કરાયો છે. બીજી તરફ, ભિવંડી અને કલ્યાણ માટે સાંસદ નરેશ મ્હસ્કેને જવાબદારી સોંપવામાં આવી છે, જે પક્ષના પાયાને મજબૂત કરવાના સંકેત આપે છે.

મુંબઈ ઉત્તરથી લઈને મુંબઈ દક્ષિણ સુધીની તમામ બેઠકો પર હવે શ્રીકાંત શિંદે સીધું મોનિટરિંગ કરશે. શિંદેના આ પગલાને પરિવારવાદના આરોપો વચ્ચે પણ સંગઠનને મજબૂત કરવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. મુંબઈના મતદારોને રીઝવવા અને ઠાકરે જૂથ સામે ટકી રહેવા માટે આ યુવા નેતૃત્વ કેટલું સફળ રહેશે, તેના પર હવે સૌની નજર ટકેલી છે.

(8:23 PM IST)