<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st March 2026

ઇન્ડિગોના નવા 'કેપ્ટન' વિલિયમ વોલ્શ: પાઇલટથી CEO સુધીની સફર અને કરોડોનું પેકેજ!

વિશ્વના સૌથી શક્તિશાળી ઉડ્ડયન નેતા હવે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોનું સુકાન સંભાળશે : IATA અને બ્રિટિશ એરવેઝના પૂર્વ વડા 3 ઓગસ્ટ 2026થી પદભાર ગ્રહણ કરશે : એર ઇન્ડિયા અને અમીરાત જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપવા ઇન્ડિગોએ ખર્ચ્યા કરોડો રૂપિયા

ગુરુગ્રામ:  1979માં કેડેટ પાઇલટ તરીકે કારકિર્દી શરૂ કરનાર વિલિયમ વોલ્શની સફર કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી છે. એર લિંગસમાં બોઇંગ 737 ઉડાવનાર વોલ્શ પાછળથી બ્રિટિશ એરવેઝના સીઈઓ અને આંતરરાષ્ટ્રીય એરલાઇન ગ્રુપ (IAG)ના નિર્માતા બન્યા. હાલમાં તેઓ વૈશ્વિક ઉડ્ડયન સંસ્થા IATAના વડા છે. તેમની આંતરરાષ્ટ્રીય બજારની ઊંડી સમજ અને કટોકટી વ્યવસ્થાપનમાં કુશળતાને કારણે ઇન્ડિગોએ તેમને 3 ઓગસ્ટ, 2026થી પોતાના નવા CEO તરીકે નિયુક્ત કર્યા છે.

 વિલિયમ વોલ્શની ચોક્કસ નેટવર્થ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઉદ્યોગના નિષ્ણાતોના મતે તેમની સંપત્તિ લાખો ડોલરમાં છે. અગાઉના CEO પીટર એલ્બર્સનું પેકેજ પણ કરોડોમાં હતું, જે જોતા વોલ્શને ભારતીય ઉડ્ડયન ઇતિહાસનું સૌથી મોટું પગાર પેકેજ મળે તેવી શક્યતા છે. જ્યારે તેઓ IAG ના વડા હતા, ત્યારે તેમનું વાર્ષિક મહેનતાણું અને બોનસ ભારતીય રૂપિયામાં કરોડોમાં હતું, જે ઇન્ડિગોમાં તેમના નવા પદ સાથે વધુ ઉંચુ જઈ શકે છે.

ઇન્ડિગો હાલમાં ફ્લાઇટ રદ થવી અને મેનેજમેન્ટની સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ સિવાય કંપની હવે લંડન અને પેરિસ જેવા લાંબા અંતરના રૂટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિલિયમ વોલ્શ જેવા 'ટ્રબલશૂટર' ના આવવાથી ઇન્ડિગો હવે અમીરાત અને એર ઇન્ડિયા જેવી મોટી કંપનીઓ સાથે સીધી સ્પર્ધા કરવાની તૈયારીમાં છે. ઇન્ડિગોના ચેરમેન વિક્રમ સિંહ મહેતાના મતે, વોલ્શનું આગમન કંપની માટે એક નવા અને આશાસ્પદ પ્રકરણની શરૂઆત કરશે.

(8:25 PM IST)