News of Sunday, 29th March 2026
પાકિસ્તાન પર ઈરાનની મોટી મહેરબાની: હોર્મુઝ સ્ટ્રેટમાં લાગેલી વૈશ્વિક આર્થિક નાકાબંધી વચ્ચે 20 જહાજોને પસાર થવાની મળી વિશેષ છૂટ
ભયાનક ઉર્જા સંકટનો સામનો કરી રહેલા ઇસ્લામાબાદ માટે તેહરાનનો ‘માસ્ટર સ્ટોક’, દરરોજ બે જહાજોને અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગેથી એન્ટ્રી મળશે: અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની જ્વાળાઓ વચ્ચે પાકિસ્તાનની મધ્યસ્થી રંગ લાવી, વિદેશ મંત્રી ઇશાક ડારે જેડી વેન્સ અને માર્કો રુબિયોને ટેગ કરી વૈશ્વિક રાજકારણમાં મચાવ્યો ખળભળાટ

ઇસ્લામાબાદ: મધ્ય પૂર્વમાં અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનને એક મોટી કૂટનીતિક સફળતા સાંપડી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેરાત કરી છે કે ઈરાન સાથે થયેલી એક મહત્વપૂર્ણ ડીલ હેઠળ પાકિસ્તાનના ૨૦ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની વિશેષ પરવાનગી મળી ગઈ છે. આ નવી વ્યવસ્થા મુજબ દરરોજ બે જહાજો હોર્મુઝના જોખમી રસ્તેથી પસાર થઈ શકશે, જે પાકિસ્તાન માટે ઉર્જા સંકટના કાળમાં મોટી રાહત સમાન છે. આ જાહેરાત વખતે ડારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોને ટેગ કરીને આ ડીલ પાછળના મોટા આંતરરાષ્ટ્રીય ખેલ તરફ ઈશારો કર્યો છે.
નોંધનીય છે કે ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને લગભગ સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. આ નાકાબંધીને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો ૧૦૦ ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગઈ છે. હાલમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે (IRGC) આ સમગ્ર દરિયાઈ પટ્ટીને એક લોખંડી ચેકપોઈન્ટમાં ફેરવી દીધી છે, જ્યાં અત્યંત કડક તપાસ અને વિશેષ ક્લિયરન્સ કોડ વગર એક પણ જહાજને પ્રવેશ મળવો અશક્ય છે. આવા કડક પ્રતિબંધો વચ્ચે પાકિસ્તાનને મળેલી આ છૂટછાટ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની છે.
યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધી હોર્મુઝના આ રસ્તેથી માત્ર ૧૫૦ જહાજો જ પસાર થઈ શક્યા છે, જે સામાન્ય ટ્રાફિક કરતા ૯૦% ઓછો છે. આ કટોકટીના સમયે પાકિસ્તાને મધ્યસ્થી તરીકે પોતાની છબી મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન સેના પ્રમુખ આસિમ મુનીરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સીધી વાતચીત કરી હતી, જ્યારે વડાપ્રધાન શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે લાંબી મંત્રણા કરીને આ રસ્તો ખોલાવવામાં સફળતા મેળવી છે. ઇશાક ડારે ઈરાન અને તુર્કિયેના નેતાઓ સાથે સતત સંપર્ક સાધીને પાકિસ્તાની હિતોનું રક્ષણ કર્યું છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે પાકિસ્તાનને મળેલી આ રાહત ઈરાન તરફથી પશ્ચિમી દેશો સાથે વાતચીતનો માર્ગ મોકળો કરવા બદલ મળેલું એક ઇનામ છે. પાકિસ્તાને ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે, જેના બદલામાં તેને આર્થિક સંજીવની મળી રહી છે. આ ડીલથી પાકિસ્તાનને ઈરાન પાસેથી સસ્તું તેલ અને ગેસ મળવાની આશા ફરી જાગી છે, જે તેની કંગાળ થઈ રહેલી અર્થવ્યવસ્થાને ફરી બેઠી કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. જોકે, અમેરિકા આ 'સ્પેશિયલ પરમિશન' ને કઈ નજરથી જુએ છે તેના પર હવે આખા વિશ્વની મીટ મંડાયેલી છે.
(12:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
