<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ઉત્તર પ્રદેશમાં કાળમુખો શુક્રવાર: કૌશામ્બી અને વારાણસીમાં દર્શન કરી પરત ફરતા શ્રદ્ધાળુઓ નડ્યા ગમખ્વાર અકસ્માત : બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ 9 લોકોના કમકમાટીભર્યા મોત

માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા નિર્દોષ ભક્તોની ગાડીઓ પલટી જતાં 20થી વધુ ગંભીર રીતે ઘાયલ

કૌશામ્બી:  ઉત્તર પ્રદેશના કૌશામ્બી અને વારાણસીમાં શ્રદ્ધાળુઓ માટે શુક્રવારનો દિવસ અત્યંત ભારે સાબિત થયો છે. કૌશામ્બીના સૈની પોલીસ સ્ટેશન વિસ્તારના દોરમા પાસે 51 શક્તિપીઠ પૈકીના એક એવા કડા ધામ મંદિરથી દર્શન કરી પરત ફરી રહેલા ફતેહપુરના શ્રદ્ધાળુઓની પીકઅપ વાન બેકાબૂ બની ઉભેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં 3 નિર્દોષ બાળકો અને 2 મહિલાઓ સહિત કુલ 8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આવી જ બીજી એક કમનસીબ ઘટના વારાણસીના લાલપુર ગામ પાસે બની હતી, જ્યાં અદલપુરા શીતળાદેવી માતાના મંદિરેથી પરત ફરી રહેલા ભક્તોનું ટ્રેક્ટર પલટી ગયું હતું. આ અકસ્માતમાં એક ભક્તનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું અને લગભગ એક ડઝન જેટલા લોકો ઘાયલ થતા વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની તત્કાલ મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાંથી ગંભીર દર્દીઓને વારાણસી ટ્રોમા સેન્ટર ખાતે વધુ સારવાર અર્થે રિફર કરાયા છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ બંને ગમખ્વાર માર્ગ અકસ્માતોની ગંભીર નોંધ લીધી છે અને જીવ ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કૌશામ્બી અકસ્માતના મૃતકોના વારસદારોને ₹2 લાખ અને ઈજાગ્રસ્તોને ₹50,000ની તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રશાસનને તમામ ઘાયલોને શ્રેષ્ઠ અને મફત તબીબી સારવાર પૂરી પાડવાના કડક આદેશો આપવામાં આવ્યા છે.

(6:46 PM IST)