<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st March 2026

ઈરાનનું આર્થિક પતન: ૧ કરોડની નોટ ખિસ્સામાં, છતાં હાથમાં માત્ર 'ચમચી' જેટલી ખરીદશક્તિ!

ફુગાવાના રાક્ષસે ઈરાની રિયાલના લીરેલીરા ઉડાડ્યા: ૧૦ મિલિયનની નવી ગુલાબી નોટની વૈષ્ઠિક કિંમત માત્ર ૬૫૦ રૂપિયા : બેંકો પાસે રોકડ ખૂટી અને એટીએમ બહાર જનતાની લાંબી કતારો

તેહરાન:  ઈરાન અત્યારે ઈતિહાસની સૌથી ભયાનક આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ચલણનું મૂલ્ય કાગળના ટુકડા સમાન બની ગયું છે. વધતા જતા યુદ્ધના તણાવ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો વચ્ચે, ઈરાની સરકારે ફુગાવાને ડામવા ૧૦ મિલિયન (૧ કરોડ) રિયાલની અત્યાર સુધીની સૌથી મોટી નોટ બજારમાં ઉતારી છે. આશ્ચર્યની વાત એ છે કે, આટલી મોટી રકમની નોટનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય માત્ર ૭ ડોલર એટલે કે અંદાજે ૬૫૦ ભારતીય રૂપિયા જેટલું જ છે. આ નવી ગુલાબી નોટ પર ઐતિહાસિક સ્થાપત્યોના ચિત્રો તો છે, પણ તેની પાછળ છુપાયેલી આર્થિક લાચારી ઈરાનના ગગડતા અર્થતંત્રની ચાડી ખાય છે.

આ નવી નોટ જાહેર થતાની સાથે જ તેહરાન સહિતના મોટા શહેરોમાં બેંકો અને એટીએમ બહાર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. ઈરાની રિયાલનું મૂલ્ય છેલ્લા એક વર્ષમાં ૪૦% જેટલું ઘટી ગયું છે, જેના કારણે રોકડની તીવ્ર અછત સર્જાઈ છે. બેંકો પાસે પૂરતી રોકડ ન હોવાથી ગ્રાહકોને મર્યાદિત રકમ જ ઉપાડવા દેવામાં આવી રહી છે, પરિણામે સામાન્ય જનતામાં ભારે ગભરાટ ફેલાયો છે. ડિજિટલ બેંકિંગ સિસ્ટમ પર સાયબર હુમલા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના પ્રહારોએ આ સ્થિતિને વધુ સ્ફોટક બનાવી દીધી છે, જેનાથી સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

ઈરાન દ્વારા ફેબ્રુઆરીમાં ૫ મિલિયનની નોટ બહાર પાડ્યાના ટૂંકા ગાળામાં જ ૧૦ મિલિયનની નોટ લાવવી પડી, તે સાબિત કરે છે કે દેશમાં મોંઘવારી બેકાબૂ બની છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે હવે લોકોએ થેલા ભરીને નોટો લઈ જવી પડે તેવી સ્થિતિ છે. આર્થિક નિષ્ણાતો માને છે કે જો ઈઝરાયેલ સાથેનો સંઘર્ષ વધુ વણસશે, તો રિયાલનું મૂલ્ય હજુ પણ નીચે જશે અને ઈરાન સંપૂર્ણ આર્થિક પતનની દિશામાં ધકેલાઈ જશે. આ સ્થિતિ માત્ર ઈરાન માટે જ નહીં, પણ સમગ્ર મધ્ય પૂર્વના વેપારી સમીકરણો માટે જોખમી સંકેત છે.

(5:50 PM IST)