News of Tuesday, 3rd March 2026
તેહરાનમાં મિસાઇલોના પ્રચંડ ધડાકા વચ્ચે ફસાઈ દિલ્હીની વિદ્યાર્થિની: "આખી રાત વિસ્ફોટો થાય છે, છત પરથી પ્લાસ્ટર પડે છે," પિતાની ભારત સરકારને કરુણ અપીલ
MBBSના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાની અગ્નિપરીક્ષા: ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે હોસ્ટેલમાં ફસાયેલી સેંકડો ભારતીય દીકરીઓના જીવ અધ્ધર, વતન પરત લાવવા ઉઠી માંગ

નવી દિલ્હી | તા. 03: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની જ્વાળાઓ હવે ત્યાં અભ્યાસ અર્થે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓના ઉંબરા સુધી પહોંચી ગઈ છે. ઈરાનની રાજધાની તેહરાનમાં મેડિકલનો અભ્યાસ કરતી એક ભારતીય વિદ્યાર્થિનીના પિતાએ ત્યાંની ભયાનક સ્થિતિનું વર્ણન કરતા ભારત સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે. વિસ્ફોટોના ગુંજારવ વચ્ચે આખી રાત જાગતી દીકરીઓના પિતાની આ અપીલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ભયાનક રાત અને વિસ્ફોટોનો ફફડાટ
દિલ્હીના રહેવાસી કુંવર શકીલ અહેમદે ધ્રૂજતા અવાજે જણાવ્યું કે, તેમની પુત્રી તેહરાનમાં MBBS કરી રહી છે અને હાલમાં જ તેનું છઠ્ઠું સેમેસ્ટર શરૂ થયું છે. તેમણે કહ્યું, "જ્યારે અમે તેને ભણવા મોકલી ત્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે ત્યાં યુદ્ધની આવી વિભીષિકા સર્જાશે. મારી દીકરી કહે છે કે આખી રાત મિસાઇલો અને વિસ્ફોટોના અવાજ આવે છે. ધડાકા એટલા પ્રચંડ હોય છે કે હોસ્ટેલની છત પરથી પ્લાસ્ટર ખરી પડે છે."
હોસ્ટેલમાં ફસાયેલી દીકરીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ
શકીલ અહેમદે વધુમાં ઉમેર્યું કે, હોસ્ટેલમાં રહેતી તમામ ભારતીય છોકરીઓ ભારે માનસિક તણાવમાં છે. સતત થતા બોમ્બમારો અને યુદ્ધ વિમાનોના અવાજને કારણે તેઓ રાતભર સૂઈ શકતી નથી. ઈરાનમાં ઈન્ટરનેટ અને સંદેશાવ્યવહારની અનિશ્ચિતતાને કારણે પિતા-પુત્રી વચ્ચેનો સંપર્ક પણ વારંવાર તૂટી રહ્યો છે, જે પરિવારની ચિંતામાં વધારો કરી રહ્યો છે.
ભારત સરકાર પાસે 'રેસ્ક્યુ'ની આશા
ભારત સરકારે અગાઉ યુક્રેન અને સુદાન જેવા દેશોમાંથી ભારતીયોને સલામત રીતે બહાર કાઢ્યા છે, તે જ રીતે હવે ઈરાનમાંથી પણ ઓપરેશન શરૂ કરવામાં આવે તેવી શકીલ અહેમદે વિનંતી કરી છે. તેમણે વિદેશ મંત્રાલય અને વડાપ્રધાન મોદીને અપીલ કરી છે કે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલા તમામ વિદ્યાર્થીઓને 'એરલિફ્ટ' કરીને ભારત પરત લાવવામાં આવે.
હાલમાં ભારત સરકાર ઈરાન સ્થિત દૂતાવાસના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં ભરી રહી છે. પરંતુ યુદ્ધના મેદાનમાં ફસાયેલા વાલીઓ માટે દરેક સેકન્ડ એક યુગ સમાન વીતી રહી છે.
(4:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
