<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઈરાનના જાસૂસી નેટવર્કનો ખુરદો: ઈઝરાયલી વાયુસેનાના પ્રચંડ હુમલામાં તેહરાન સ્થિત ગુપ્તચર મુખ્યાલય તબાહ, નાયબ મંત્રી સહિત અનેક ટોચના અધિકારીઓના મોત!

ઓપરેશન 'રોરિંગ લાયન' હેઠળ ઈઝરાયલનો 'સર્જિકલ સ્ટ્રાઈક' જેવો ઘા: યહૂદીઓ અને પશ્ચિમી દેશો વિરુદ્ધ આતંકનું નેતૃત્વ કરનાર સૈયદ યાહ્યા હમીદીનો ખાતમો, તેહરાનમાં ભારે અફરાતફરી

તેહરાન: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ઈરાનના જાસૂસી તંત્રને સૌથી મોટો ફટકો પડ્યો છે. ઈઝરાયલી વાયુસેના (IAF) એ દાવો કર્યો છે કે તેમના સચોટ હવાઈ હુમલામાં ઈરાની ગુપ્તચર મંત્રાલયના અત્યંત વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા છે. આ હુમલો તેહરાન સ્થિત મંત્રાલયના મુખ્ય મથકને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો, જેનાથી ઈરાનની જાસૂસી અને આતંકવાદી યોજનાઓના નેટવર્કને ભારે નુકસાન થયું છે.
કોણ છે માર્યા ગયેલા 'માસ્ટરમાઇન્ડ'?
ઈઝરાયલી વાયુસેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતો આપતા જણાવ્યું કે, ઓપરેશન 'રોરિંગ લાયન' હેઠળ નીચે મુજબના મુખ્ય અધિકારીઓનો સફાયો કરવામાં આવ્યો છે:
•    સૈયદ યાહ્યા હમીદી: ઈરાનના ગુપ્તચર વિભાગના નાયબ મંત્રી, જેઓ 'ઈઝરાયલ બાબતો' સંભાળતા હતા. ઈઝરાયલનો આરોપ છે કે હમીદીએ જ વિદેશમાં વસતા યહૂદીઓ અને પશ્ચિમી કલાકારો તેમજ સરકાર વિરોધીઓ વિરુદ્ધ આતંકવાદી કાવતરાંનું નેતૃત્વ કર્યું હતું.
•    જલાલ પોર હુસૈન: ગુપ્તચર મંત્રાલયના જાસૂસી વિભાગના વડા, જેઓ દેશની સુરક્ષા અને જાસૂસી ગતિવિધિઓમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.
નેતન્યાહૂનો લલકાર: "હુમલા હજુ વધુ તીવ્ર બનશે"
ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે. રવિવારે તેમણે જાહેરાત કરી હતી કે આગામી દિવસોમાં ઈરાન પરના હુમલાઓની તીવ્રતા વધારવામાં આવશે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના અહેવાલ મુજબ, અમેરિકી સેનાએ પણ શનિવારથી અત્યાર સુધીમાં 1,000 થી વધુ ઈરાની લક્ષ્યો પર બોમ્બમારો કર્યો છે, જેમાં લશ્કરી છાવણીઓ અને શસ્ત્રાગારોનો સમાવેશ થાય છે.
નેતૃત્વના નામે શૂન્યાવકાશ
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના મોત બાદ હવે ગુપ્તચર વિભાગના ટોચના નેતાઓના મોતે ઈરાની શાસન વ્યવસ્થામાં મોટો શૂન્યાવકાશ સર્જ્યો છે. ઈરાન અત્યારે ચોતરફથી ઘેરાયેલું છે અને તે બદલો લેવા માટે મધ્ય પૂર્વીય દેશોમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર વળતા પ્રહાર કરી રહ્યું છે.
આ હુમલાઓએ પશ્ચિમ એશિયાના રણમેદાનમાં શક્તિ સંતુલન સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને હવે વૈશ્વિક સમુદાય કોઈ મોટી પરમાણુ હોનારત ન સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યો છે.

(7:09 PM IST)