તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Saturday, 28th February 2026
આકાશમાં ઉડતી એરબસ હવે જમીન પર મચાવશે ધૂમ: બેંગલુરુમાં લીધી એટલી મોંઘી ઓફિસ કે એપલ પણ જોતી રહી ગઈ!
ટેક સિટીના વ્હાઇટફિલ્ડમાં એરબસે રૂ. ૧૦૦ કરોડના ભાડાનો અધધધ સોદો પાર પાડ્યો : ૧.૫૧ લાખ ચોરસ ફૂટના આલીશાન ટેક પાર્કમાં એરોસ્પેસ જાયન્ટ સ્થાપશે પોતાનું નવું સામ્રાજ્ય, માસિક ભાડું સાંભળીને પલકારા ચુકી જશો

બેંગલુરુ: ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગલુરુમાં રિયલ એસ્ટેટના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, પરંતુ યુરોપિયન એરોસ્પેસ કંપની 'એરબસ'એ જે સોદો કર્યો છે તેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શહેરના પ્રખ્યાત આઈટી હબ વ્હાઇટફિલ્ડમાં સ્થિત 'ટાઇટેનિયમ ટેક પાર્ક'માં એરબસે આશરે ૧.૫૧ લાખ ચોરસ ફૂટની વિશાળ ઓફિસ સ્પેસ ભાડે લીધી છે. નવાઈની વાત એ છે કે આ ડીલની કુલ કિંમત લીઝ સમયગાળા દરમિયાન રૂ. ૧૦૦ કરોડની આસપાસ પહોંચવાની ધારણા છે. આ આંકડો એટલો મોટો છે કે તેણે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની ગણાતી એપલના તાજેતરના ઓફિસ સોદાઓને પણ પાછળ છોડી દીધા છે.
આ ઓફિસ માત્ર મોટી જ નથી, પણ સુવિધાઓ અને વૈભવમાં પણ બેજોડ છે. કંપનીએ ગ્રાઉન્ડ ફ્લોરની સાથે ત્રીજા અને ચોથા માળ પર પોતાનો કબ્જો જમાવ્યો છે, જેના માટે દર મહિને આશરે રૂ. ૯૭ લાખ જેટલું તોતિંગ ભાડું ચૂકવવામાં આવશે. આ સોદામાં ૨૦૦થી વધુ પાર્કિંગ સ્લોટ અને કરોડો રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટનો પણ સમાવેશ થાય છે. એરબસનો આ નિર્ણય દર્શાવે છે કે ભારત હવે માત્ર ઉત્પાદન માટે જ નહીં, પણ ગ્લોબલ એન્જિનિયરિંગ અને ડિઝાઇન હબ તરીકે પણ વૈશ્વિક કંપનીઓની પહેલી પસંદ બની રહ્યું છે.
આ નવ વર્ષ લાંબો કરાર એરબસનો ભારતીય બજાર અને અહીંના ટેલેન્ટ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. લીઝની શરતો મુજબ, ૨૦૨૬ના મધ્ય સુધીમાં આ ઓફિસ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જશે, જે બેંગલુરુના રિયલ એસ્ટેટ માર્કેટમાં 'ગ્રેડ-A' ઓફિસ સ્પેસની વધતી જતી માંગ પર મહોર મારે છે. જ્યારે વૈશ્વિક સ્તરે આર્થિક મંદીની ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે એરબસનું આ આક્રમક વિસ્તરણ ભારતની આર્થિક તાકાતનો પરચો આપે છે.
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
