<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th February 2026

ભણવાનું કહેતા કસાઈ બન્‍યો કપૂત! પિતાની હત્‍યા કરીઃ મૃતદેહના ટૂકડાં કરી વાદળી ડ્રમમાં છુપાવ્‍યો

લખનઉના આશિયાના વિસ્‍તારમાંથી એક ભયાનક ઘટના સામે આવી હાથ, પગ અને માથું કાપીને ક્‍યાંક દૂર ફેંકી દીધા, જ્‍યારે ધડને એક સ્‍લીપિગ બેગમાં ભરીને વાદળી ડ્રમમાં છુપાવી દીધું.અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ સાથે જે કર્યું, તે સાંભળીને આખા વિસ્‍તારમાં ખળભળાટ

લખનઉ તા.૨૪: લખનઉના આશિયાના વિસ્‍તારમાંથી એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક ૧૯ વર્ષના યુવાને પોતાના જ પિતાની લાઇસન્‍સવાળી રાઇફલથી હત્‍યા કરી દીધી અને પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહ સાથે જે કર્યું, તે સાંભળીને આખા વિસ્‍તારમાં ખળભળાટ મચી ગયો છે. પડોશીઓના કહેવા મુજબ, ૧૯ વર્ષનો અક્ષત બાળપણથી જ જિદ્દી હતો. અક્ષતની માતાનું મૃત્‍યુ તે નાનો હતો ત્‍યારે જ થઈ ગયું હતું, જેના પછી તે અત્‍યંત અડિયલ, જિદ્દી અને ગુસ્‍સાવાળા સ્‍વભાવનો થઈ ગયો હતો. લગભગ ૪ વર્ષ પહેલા પણ અક્ષત પોતાની નારાજગી વ્‍યક્‍ત કરીને એક ચિઠ્ઠી લખીને ઘરેથી ભાગી ગયો હતો.

અક્ષતનું ભણવામાં જરાય મન લાગતું નહોતું, જ્‍યારે તેના પિતા માનવેન્‍દ્ર સિહ (જે દારૂ અને પેથોલોજીના મોટા વેપારી હતા) ઈચ્‍છતા હતા કે તેમનો દીકરો મેડિકલનો અભ્‍યાસ કરે અને તેમના બિઝનેસને સંભાળે. આ દબાણે અક્ષતની અંદર એવી નફરત ભરી દીધી કે તેણે પોતાના જ પિતાને રસ્‍તામાંથી હટાવવાનું કાવતરું રચી નાખ્‍યું.

DCP સેન્‍ટ્રલ વિક્રાંત વીરના કહેવા મુજબ, આ ઘટના ૨૦ ફેબ્રુઆરીની સવારની છે. પોલીસ પૂછપરછમાં અક્ષતે પોતાનો ગુનો કબૂલ કરતા કહ્યું કે, તેણે પિતાના માથામાં લાઇસન્‍સવાળી રાઇફલથી ગોળી મારીને તેમની હત્‍યા કરી નાખી, હત્‍યા કર્યા પછી તે મૃતદેહને ખેંચીને ઘરના ગ્રાઉન્‍ડ ફલોર પર લઈ ગયો, જ્‍યાં કોઈ રહેતું નહોતું. શરૂઆતમાં તેણે મૃતદેહને કારમાં લઈ જઈને ગોમતી નદીમાં ફેંકવાનો પ્‍લાન બનાવ્‍યો, પરંતુ વજન વધારે હોવાથી તે અસફળ રહ્યો.

ત્‍યારબાદ તે બજારમાંથી આરી ખરીદીને લાવ્‍યો અને પિતાના મૃતદેહને કાપી નાખ્‍યો. તેણે હાથ, પગ અને માથું કાપીને ક્‍યાંક દૂર ફેંકી દીધા, જ્‍યારે ધડને એક સ્‍લીપિંગ બેગમાં ભરીને વાદળી ડ્રમમાં છુપાવી દીધું. શાતિર અક્ષતે પોલીસને ગુમરાહ કરવા માટે ૨૦ ફેબ્રુઆરીએ જ પિતા ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જ્‍યારે પોલીસે ઘરના સભ્‍યોની પૂછપરછ શરૂ કરી, તો અક્ષતના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્‍યો. પહેલા તેણે તેને આત્‍મહત્‍યા કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્‍યારે પોલીસે કડક પૂછપરછ કરી, ત્‍યારે તેણે બધી હકીકત જણાવી દીધી.

માનવેન્‍દ્ર સિંહ છેલ્‍લા ૧૨ વર્ષથી આ કોલોનીમાં રહેતા હતા અને તેમનો સ્‍વભાવ પણ ઘણો સારો હતો. તેમના પિતા (અક્ષતના દાદા) સુરેન્‍દ્ર પાલ સિંહ એક નિવૃત્ત પોલીસ અધિકારી છે, જે જાલૌનમાં રહે છે. આ ઘટનાએ સમગ્ર આશિયાના વિસ્‍તારને હચમચાવી દીધો છે. પોલીસે આરોપી અક્ષતને કસ્‍ટડીમાં લઈ લીધો છે. તેની વિરુદ્ધ હત્‍યા અને પુરાવા છુપાવવાની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. ફોરેન્‍સિક ટીમે સ્‍થળ પરથી નમૂનાઓ એકઠા કર્યા છે અને હત્‍યાના અન્‍ય સંભવિત કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

(3:39 PM IST)