News of Saturday, 21st February 2026
લાલકિલ્લો-ચાંદની ચોક સહિત અનેક શહેરો ઉપર હુમલાનું ષડયંત્ર
સંભવિત હુમલાને લઈને હાઈ એલર્ટઃ લશ્કર-એ-તોયબા લોહી તરસ્યું: છઠ્ઠીએ થયેલા હુમલાનો બદલો લેવા ષડયંત્ર : મંદિરો સહિતના ધાર્મિક સ્થળો પણ ત્રાસવાદીઓના નિશાના ઉપર

નવી દિલ્હી, તા.૨૧: દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર આતંકી હુમલાનો ખતરો મંડરાય રહ્યો છે. ગુપ્તચર એજન્સીઓના તાજેતરના અહેવાલો મુજબ, પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને તેની આસપાસના અત્યંત વ્યસ્ત ગણાતા મંદિરોને નિશાન બનાવવાની ફિરાકમાં છે. ૬ ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદની એક મસ્જિદમાં થયેલા વિસ્ફોટનો બદલો લેવા માટે આતંકવાદીઓ ભારતના હૃદય સમાન દિલ્હીમાં લોહીની હોળી ખેલવાનું ષડયંત્ર રચી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેના પગલે સમગ્ર દિલ્હી પોલીસ અને પેરામિલિટરી ફોર્સને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
આ સુરક્ષા ઇનપુટ્સ મળતાની સાથે જ દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ખાસ કરીને ચાંદની ચોક વિસ્તારમાં આવેલા પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોની આસપાસ લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આતંકીઓ દ્વારા ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસનો ઉપયોગ કરીને હુમલો કરવાની શકયતા હોવાથી ભીડભાડવાળા જાહેર સ્થળો પર મેટલ ડિટેક્ટર અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. લાલ કિલ્લો, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, ત્યાં પણ મુલાકાતીઓના સામાનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ગયા વર્ષે ૧૦ નવેમ્બર ૨૦૨૫ ના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે થયેલા ભયાનક વિસ્ફોટની યાદો હજુ તાજી છે, જેમાં ૧૦ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને આ વખતે તપાસ એજન્સીઓ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. દિલ્હીના પ્રવેશદ્વારો પર વાહનોનું કડક ચેકિંગ શરૂ કરી દેવાયું છે અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા માટે હાઈ-ટેક સીસીટીવી કેમેરા દ્વારા ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ક્વિક રિએક્શન ટીમોને પણ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ પણ કટોકટીને પહોંચી શકાય.
સુરક્ષા એજન્સીઓએ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને પણ સતર્ક રહેવા અપીલ કરી છે. કોઈ પણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. ખાસ કરીને ધાર્મિક ઉત્સવો અને સપ્તાહના અંતે વધતી ભીડને જોતા મંદિરોની સુરક્ષા સમિતિઓને પણ એલર્ટ કરવામાં આવી છે. પાકિસ્તાન પ્રેરિત આ આતંકી ખતરાને નિષ્ફળ બનાવવા માટે દિલ્હી પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વચ્ચે સતત સંકલન જાળવવામાં આવી રહ્યું છે, જેથી રાજધાનીની શાંતિ અને સુરક્ષા અકબંધ રહે.
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
