તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Thursday, 19th February 2026
બ્રિટિશ રાજવી પરિવારમાં ભૂકંપ : એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની તેમના 66મા જન્મદિવસે ધરપકડ : એપસ્ટાઈન કેસમાં 'પબ્લિક ઓફિસમાં ગેરરીતિ'ના ગંભીર આક્ષેપો
જેફરી એપસ્ટાઈન ફાઈલો સાર્વજનિક થતા કિંગ ચાર્લ્સ તૃતીયના નાના ભાઈની મુશ્કેલી વધી : સાર્વજનિક પદનો દુરુપયોગ અને સંવેદનશીલ વિગતો શેર કરવાના આરોપ હેઠળ પોલીસ કસ્ટડીમાં લેવાયા

લંડન : બ્રિટિશ રાજવી પરિવાર માટે આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. કિંગ ચાર્લ્સ તૃતીયના નાના ભાઈ એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરની આજે, ૧૯ ફેબ્રુઆરીએ તેમના ૬૬મા જન્મદિવસે જ ધરપકડ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ અનુસાર, દોષિત ઠરેલા યૌન અપરાધી જેફરી એપસ્ટાઈન સાથેના તેમના સંબંધો અને 'પબ્લિક ઓફિસમાં ગેરરીતિ' (Misconduct in Public Office) ના શંકાસ્પદ આરોપસર આ કાર્યવાહી કરવામાં આવી છે.
તાજેતરમાં જેફરી એપસ્ટાઈન સંબંધિત લાખો પાનાના દસ્તાવેજો જાહેર થયા બાદ એન્ડ્રુ પરનું દબાણ સતત વધી રહ્યું હતું. આ દસ્તાવેજોમાં એવા સંકેતો મળ્યા હતા કે એન્ડ્રુ જ્યારે બ્રિટનના વેપાર દૂત (Trade Envoy) તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યારે તેમણે કેટલીક સંવેદનશીલ અને ગુપ્ત સરકારી વિગતો એપસ્ટાઈન સાથે શેર કરી હતી. આ મામલે થેમ્સ વેલી પોલીસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, "તપાસના ભાગરૂપે આજે (૧૯/૨) નોર્ફોકમાંથી ૬૦ની વયના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં બર્કશાયર તથા નોર્ફોકના વિવિધ સરનામાંઓ પર સર્ચ ઓપરેશન ચાલુ છે."
પોલીસ કાર્યવાહી અને તપાસની વિગતો:
સવારના સમયે નોર્ફોક સ્થિત સેન્ડ્રિંગહામ એસ્ટેટના 'વૂડ ફાર્મ' ખાતે પોલીસની અનેક ગાડીઓ અને સાદા વેશમાં અધિકારીઓ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વિન્ડસર ખાતેના રોયલ લોજ ખાલી કર્યા બાદ એન્ડ્રુ અહીં રહેતા હતા. આસિસ્ટન્ટ ચીફ કોન્સ્ટેબલ ઓલિવર રાઈટે જણાવ્યું હતું કે, "પબ્લિક ઓફિસમાં ગેરરીતિના આરોપ અંગે અમે સંપૂર્ણ મૂલ્યાંકન બાદ તપાસ શરૂ કરી છે. તપાસની નિષ્પક્ષતા જાળવી રાખવા માટે અત્યારે વધુ વિગતો જાહેર કરી શકાય તેમ નથી."
એન્ડ્રુ દ્વારા આરોપોનો ઇનકાર:
નોંધનીય છે કે, એન્ડ્રુ માઉન્ટબેટન-વિન્ડસરે હંમેશા પોતાની સામેના તમામ આરોપોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં સામેલ હોવાનો ઇનકાર કર્યો છે. અગાઉ કિંગ ચાર્લ્સ તૃતીયે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ આ મામલે પોલીસ તપાસમાં સંપૂર્ણ સહકાર આપશે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરે પણ આ મામલે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, "કાયદાથી ઉપર કોઈ નથી." હાલમાં એન્ડ્રુ પોલીસ કસ્ટડીમાં છે અને આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
