<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

૩૪ લાખ ગુજરાતી PMJYનું વાર્ષિક ૪૩૬ રૂપિયા પ્રીમિયમ ના ભરી શકતાં પોલિસી બંધ

આ યોજનામાં માત્ર રૂ.૪૩૬ના પ્રીમિયમમાં ૨ લાખનું જીવન કવર આપવામાં આવે છે

નવી દિલ્‍હીઃ તા.પ,સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ગુજરાતને લઈ ચોંકાવનારી વિગત સામે આવી હતી. ૩૪ લાખ ગુજરાતી પ્રધાનમંત્રી જીવન જયોતિ બીમા યોજનાનું વાર્ષિક ૪૩૬ રૂપિયા પ્રીમિયર ભરી ન શકતાં પોલિસી બંધ થઈ ગઈ હતી. આ યોજનામાં માત્ર રૂ.૪૩૬ના પ્રીમિયમમાં ૨ લાખનું જીવન કવર આપવામાં આવે છે. વીમાધારકના અવસાનના કેસમાં તેમના નોમિની અથવા વારસદારને આ રકમ ચૂકવાય છે. લોકસભામાં આ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓ અંગે પૂછાયેલા એક તારાંકિત પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી હતી.

ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં નહોતી પૂરતી રકમ

આંકડા મુજબ, ગુજરાતમાં ૨૦૨૧માં ૫,૫૨,૮૩૦, ૨૦૨૨માં ૫,૧૨,૬૪૨, ૨૦૨૩માં ૬,૬૬,૮૬૫, ૨૦૨૪માં ૯,૪૭,૫૯૯, ૨૦૨૫માં ૯,૨૨,૮૬૫ પોલિસી બંધ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં રાજયમાં કુલ ૩૪ લાખથી વધુ પોલિસી બંધ થઈ છે. મોટાભાગે પ્રીમિયમના ઓટો ડેબિટ સમયે બેંક ખાતામાં પૂરતી રકમ ન હોવાના કારણે આ પોલિસી બંધ થઈ હતી.

નવા વીમાદારોની સંખ્‍યા વધી

આટલી મોટી સંખ્‍યામાં પોલિસી બંધ થવા છતાં રાજયમાં ઓછી કિંમતની વીમા યોજનાના નવા વીમાદારોની સંખ્‍યા વધી રહી છે. રાજયમાં આવરી લેવાયેલા લાભાર્થીઓની સંખ્‍યા મે ૨૦૨૧માં ૩૬.૪૧ લાખથી વધીને ૭ જાન્‍યુઆરી, ૨૦૨૬ સુધીમાં ૧.૦૪ કરોડ થઈ છે. જોકે જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં એક્‍ટિવ પોલિસીની સંખ્‍યા ૫૫.૩૨ લાખ હતી. જેના પરથી વીમો ઉતરાવનારા લોકોમાંથી મોટી સંખ્‍યામાં લોકો પોલિસીનું પ્રીમિયમ ભરી શકતા નથી તે સાબિત થાય છે.

આ ઉપરાંત દાવા નિવારણના આંકડાઓ મુજબ, રાજયમાં ૭ જાન્‍યુઆરી ૨૦૨૬ સુધીમાં ૬૨,૯૨૦ દાવા પ્રાપ્ત હતા, જે પૈકી ૫૮,૧૭૪ દાવાનું નિવારણ કરવામાં આવ્‍યું હતું. ૧૬૭૦ દાવાઓ નામંજૂર થયા હતા.

(3:42 PM IST)