<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું રહસ્ય ઘેરાયું: હોસ્પિટલના CCTVમાં પિતા સાધ્વીને બેભાન અવસ્થામાં લાવતા દેખાયા

પોસ્ટમોર્ટમમાં ઝેરના કોઈ પુરાવા નહીં; SITએ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો અને સ્ટાફની કલાકો સુધી પૂછપરછ કરી

જોધપુર :જોધપુરના પાલ ગામ સ્થિત આરતી નગર આશ્રમમાં સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોતને સાત દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ હજુ સુધી કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શકી નથી. મંગળવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પ્રેક્ષા હોસ્પિટલની મુલાકાત લીધી હતી, જ્યાં 28 જાન્યુઆરીના સીસીટીવી ફૂટેજમાં સાધ્વીના પિતા બિરમનાથ તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઈ જતા જોવા મળ્યા હતા.
તપાસ દરમિયાન એસીપી છવી શર્માએ હોસ્પિટલના ડો. પ્રવીણ જૈન અને સ્ટાફની પૂછપરછ કરી હતી. ડોક્ટરે ખુલાસો કર્યો કે સાધ્વી અગાઉ શરદી-તાવની ફરિયાદ લઈને આવી હતી, પરંતુ જે દિવસે (28 જાન્યુઆરીએ) તેમને બેભાન હાલતમાં લાવવામાં આવ્યા, તે દિવસે ડોક્ટરે કોઈ તપાસ કરી નહોતી કે કોઈ નવી દવા લખી નહોતી. માત્ર પ્રિસ્ક્રિપ્શન મુજબ કમ્પાઉન્ડરે બે ઇન્જેક્શન આપ્યા હતા.
 તબીબી પરીક્ષણ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના પ્રારંભિક તારણો મુજબ, સાધ્વીના શરીરમાં ઝેરના કોઈ બાહ્ય કે આંતરિક ચિહ્નો જોવા મળ્યા નથી. તેમના શરીર પર કોઈ ઈજાના નિશાન પણ નથી. જોકે, એફએસએલ (FSL) રિપોર્ટ આવવો હજુ બાકી છે, જેના પર પોલીસની છેલ્લી આશા ટકેલી છે. આશ્રમની તપાસ દરમિયાન પોલીસને અસ્થમાની કેટલીક દવાઓ મળી આવી છે, જેને પણ તપાસનો હિસ્સો બનાવવામાં આવી છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે જો સાધ્વીને કોઈ બીમારી નહોતી, તો તેઓ અચાનક બેભાન કેવી રીતે થયા? આશ્રમમાં જે દવાઓ મળી આવી છે, તેનો સાધ્વીના મોત સાથે કોઈ સંબંધ છે કે કેમ, તે અંગે પણ નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે. સાત દિવસ બાદ પણ મોતનું રહસ્ય અકબંધ રહેતા આશ્રમના અનુયાયીઓમાં ભારે ઉચાટ જોવા મળી રહ્યો છે.

(8:41 PM IST)