તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Tuesday, 3rd February 2026
શેરબજારમાં સુનામી: માત્ર 20 મિનિટમાં રોકાણકારોની સંપત્તિમાં ₹20 લાખ કરોડનો તોતિંગ વધારો
ભારત-અમેરિકા વેપાર સોદાની 'જાદુઈ' અસર: સેન્સેક્સ-નિફ્ટીમાં ઐતિહાસિક ઉછાળો, ટેક્સટાઇલ શેરોમાં તોફાની તેજી

મુંબઈ : મંગળવારનો દિવસ ભારતીય શેરબજારના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ઐતિહાસિક વેપાર સોદાના સમાચાર આવતાની સાથે જ દલાલ સ્ટ્રીટમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. બજાર ખૂલ્યાની માત્ર 20 મિનિટમાં જ રોકાણકારોની સંપત્તિમાં ₹20 લાખ કરોડનો ઉછાળો જોવા મળ્યો હતો, જેણે બજારના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે.
તેજી પાછળના 3 મુખ્ય કારણો:
1. ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક અને ટેરિફમાં કાપ:
તેજીનું સૌથી મોટું કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત છે. અમેરિકાએ ભારતીય નિકાસ પરનો ટેરિફ 50% થી ઘટાડીને સીધો 18% કરી દીધો છે. આ નિર્ણયથી ભારતીય કંપનીઓ માટે અમેરિકન બજારના દરવાજા મોકળા થયા છે. ખાસ કરીને પાકિસ્તાન, વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા સ્પર્ધક દેશો કરતા ભારત હવે અમેરિકામાં વધુ સસ્તો માલ વેચી શકશે.
2. રૂપિયાની મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો:
વેપાર સોદાના પોઝિટિવ સમાચારને કારણે ભારતીય રૂપિયો ડોલર સામે 1% મજબૂત થઈને 90.40 ના સ્તરે પહોંચ્યો હતો. સાથોસાથ સરકારી બોન્ડ યીલ્ડમાં પણ ઘટાડો થતા વિદેશી રોકાણકારોનો ભારતીય બજાર પર ભરોસો વધ્યો છે.
3. ટેક્સટાઇલ શેરોમાં 'અપર સર્કિટ'નો કરંટ:
આ સોદાની સૌથી મોટી અસર ટેક્સટાઇલ ક્ષેત્ર પર જોવા મળી છે. અમેરિકામાં કાપડની નિકાસ વધવાની આશાએ લગભગ તમામ મુખ્ય ટેક્સટાઇલ શેરોમાં 20% ની અપર સર્કિટ લાગી હતી. ટેક્સટાઇલ ઉપરાંત ઓટો અને ઝીંગા (Shrimp) નિકાસ કરતી કંપનીઓના શેરોમાં પણ ભારે લેવાલી જોવા મળી હતી.
બજારના આંકડા શું કહે છે?
નિફ્ટી 50 એ આજે 1,200 પોઈન્ટના ગેપ-અપ ઓપનિંગ સાથે ઈતિહાસ રચ્યો છે. મિડકેપ ઈન્ડેક્સ પ્રથમવાર 60,000 ના આંકને પાર કરી ગયો, જ્યારે બેંક નિફ્ટી પણ 61,400 ની સપાટી વટાવી ગયો હતો. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹455 લાખ કરોડથી વધીને સીધું ₹474 લાખ કરોડ પર પહોંચી ગયું છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
