હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટ્રમ્પનો 'ઓઈલ સ્ટ્રાઈક' અને ક્યુબાનો પડકાર: "વતન નહીંતર મૃત્યુ!" - બે દેશો વચ્ચેના જંગમાં ભડકે બળતું ભૌગોલિક રાજકારણ
ક્યુબાને તેલ આપનારા દેશો પર અમેરિકા લાદશે ભારે ટેરિફ; રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝે ટ્રમ્પને ગણાવ્યા 'સામ્રાજ્યવાદી ગુંડા', શું કેરેબિયન ટાપુ પર ફરી ભૂખમરો અને અંધારપટ છવાશે?

હવાના/વોશિંગ્ટન: વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન સાથે જ વૈશ્વિક રાજકારણમાં પ્રતિબંધોના તોફાનો શરૂ થઈ ગયા છે. આ વખતે ટ્રમ્પના નિશાના પર છે અમેરિકાનો જૂનો દુશ્મન દેશ - ક્યુબા. ટ્રમ્પે એક એવા આક્રમક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે જે માત્ર ક્યુબા જ નહીં, પરંતુ તેને તેલ સપ્લાય કરતા રશિયા, ચીન અને ઈરાન જેવા દેશોની પણ ઉંઘ ઉડાડી દેશે. ટ્રમ્પની નવી નીતિ મુજબ, જે કોઈ દેશ ક્યુબાને તેલ આપશે, તેના પર અમેરિકા 'દંડ' રૂપે તોતિંગ ટેરિફ લાદશે. આ પગલાએ ક્યુબાના અર્થતંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા છે, જેના જવાબમાં ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝે આરપારની લડાઈનું એલાન કર્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ક્યુબાને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે 'અસાધારણ ખતરો' જાહેર કર્યો છે. અમેરિકાનો આરોપ છે કે ક્યુબાની સરકાર હમાસ, હિઝબુલ્લાહ અને રશિયા જેવા અમેરિકા વિરોધી તત્વોને આશ્રય અને સમર્થન આપી રહી છે. આ આદેશનો હેતુ ક્યુબાનો ઈંધણ પુરવઠો સંપૂર્ણપણે કાપી નાખીને તેને આર્થિક રીતે પાયમાલ કરવાનો છે. અત્યારે ક્યુબા ૧૯૫૯ પછીના સૌથી ભયાનક આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં પેટ્રોલની અછતને કારણે વાહનવ્યવહાર ઠપ્પ છે અને કલાકો સુધી વીજળી કાપ સહન કરવો પડી રહ્યો છે.
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝે અમેરિકાના આ 'સામ્રાજ્યવાદી વર્ચસ્વ' સામે લાલઘૂમ થઈને નિવેદન આપ્યું છે કે, "ટ્રમ્પ વહીવટીતંત્ર બળજબરીથી ક્યુબાની વિદેશ નીતિ બદલવા માંગે છે, પણ અમે નમશું નહીં." તેમણે અત્યંત જુસ્સા સાથે નારો આપ્યો છે કે, "વતન નહીંતર મૃત્યુ (Homeland or Death)! અમે જ જીતીશું!" આ નિવેદને શીત યુદ્ધ (Cold War) ના સમયની યાદ તાજી કરાવી દીધી છે. જો આ રીતે જ ઈંધણ પર પ્રતિબંધો ચાલુ રહ્યા, તો ક્યુબામાં માનવીય સંકટ વધુ ઘેરું બની શકે છે અને રશિયા-અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર કેરેબિયન સમુદ્રમાં જોવા મળી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
