<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

બજેટ ૨૦૨૬: દારૂ મોંઘો અને દવાઓ સસ્તી! જાણો શું ભાવ ઘટશે અને ક્યાં વધશે બોજ

નાણામંત્રી નિર્મલા સીતારમણે ૯મી વખત બજેટ રજૂ કરી સામાન્ય જનતાને આપી મિશ્ર ભેટ: કેન્સર-ડાયાબિટીસની દવાઓ અને સ્પોર્ટ્સના સાધનો હવે બજેટમાં, લેધર અને મોબાઈલ ફોન પણ થશે સસ્તા; વ્યસનીઓ માટે ખરાબ સમાચાર, દારૂ અને મિનરલ્સ પર ટેક્સ વધતા કિંમતોમાં ધરખમ વધારો

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે રજૂ કરેલા બજેટમાં મધ્યમ વર્ગના સ્વાસ્થ્ય અને બાળકોના ભવિષ્યને પ્રાધાન્ય આપ્યું છે. સૌથી મોટી રાહત આપતા સરકારે જાહેરાત કરી છે કે બાયો-ફાર્મા સેક્ટરમાં ૧૦,૦૦૦ કરોડના રોકાણ સાથે હવે કેન્સર અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી થશે. આ પગલાથી લાખો પરિવારોને આર્થિક ટેકો મળશે. આ ઉપરાંત, રમતગમતના સાધનો (Sports Goods) પરનો ટેક્સ ઘટાડવામાં આવ્યો છે, જેથી હવે બેટ, બોલ અને જિમ કિટ સસ્તા ભાવે ઉપલબ્ધ થશે, જે દેશમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારશે.

મોબાઈલ અને ટેકનોલોજી પ્રેમીઓ માટે પણ આ બજેટ ખુશીઓ લઈને આવ્યું છે. મોબાઈલ ફોન અને ચાર્જરના સ્પેરપાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવતા સ્માર્ટફોન સસ્તા થશે. ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ની બેટરીઓ પણ સસ્તી થવાની જાહેરાત કરાઈ છે, જેથી ગ્રીન મોબિલિટીને વેગ મળશે. લેધર ઇન્ડસ્ટ્રી માટે વિશેષ છૂટછાટ અપાતા ચામડાના બૂટ, બેગ અને અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો જોવા મળશે. કપડાં અને માઈક્રોવેવ ઓવન જેવી ઘરવખરીની ચીજો પણ હવે સામાન્ય માણસ માટે વધુ સુલભ બનશે.

બીજી તરફ, સરકારે અમુક વસ્તુઓ પર ટેક્સ વધારીને કડક વલણ અપનાવ્યું છે. બજેટની જાહેરાત બાદ દારૂ પીનારાઓ માટે ખિસ્સા ખાલી કરવાના દિવસો આવ્યા છે, કારણ કે દારૂ પરની ડ્યુટી વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત, મિનરલ્સ અને સ્ક્રેપ પરના ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દારૂ મોંઘો કરીને સરકારે સામાજિક કલ્યાણ અને વધારાની આવક મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પાન મસાલા અને તમાકુ જેવી ચીજો પણ મોંઘા લિસ્ટમાં સામેલ છે, જેની સીધી અસર વ્યસનીઓના બજેટ પર પડશે.

ઈન્કમ ટેક્સ સ્લેબ વિશે વાત કરીએ તો, ૧ એપ્રિલ ૨૦૨૬ થી 'ન્યૂ ઇન્કમ ટેક્સ એક્ટ' લાગુ થવા જઈ રહ્યો છે, જેમાં ટેક્સ ફાઈલ કરવાની પ્રક્રિયાને વધુ 'સિમ્પલીફાઇડ' બનાવવામાં આવી છે. નવા કાયદા હેઠળ ટેક્સ ફોર્મ્સ બદલાશે અને અકસ્માત વળતર જેવી રકમોને સંપૂર્ણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. એકંદરે, આ બજેટમાં જીવનજરૂરી દવાઓ અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપીને જીવનધોરણ સુધારવાનો પ્રયાસ કરાયો છે, જ્યારે મોજશોખ અને વ્યસનની વસ્તુઓ પર અંકુશ મૂકવામાં આવ્યો છે.

(1:08 PM IST)