<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st February 2026

વણકરો-કારીગરોની હવે ‘ચાંદી’: બજેટમાં મળી ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ’ની ભેટ, હસ્તકલા બનશે ગ્લોબલ બ્રાન્ડ!

નાણામંત્રીએ કાપડ ક્ષેત્રના નસીબ આડેથી પાંદડું હટાવ્યું: ‘રાષ્ટ્રીય ફાઇબર યોજના’ અને ઈ-કોમર્સ જોડાણથી ખાદી-હેન્ડલૂમમાં આવશે તેજી; પરંપરાગત કલાને આધુનિક ટેકનોલોજીનો સાથ આપી ગ્રામીણ અર્થતંત્રને ‘સુપરફાસ્ટ’ બનાવવાનો સરકારનો એક્શન પ્લાન

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૬માં દેશના હૃદય સમાન ગ્રામીણ વણકરો અને હસ્તકલા કારીગરો માટે તિજોરીના દ્વાર ખોલી દીધા છે. કાપડ ઉદ્યોગને નવી ઊંચાઈ પર લઈ જવા માટે ‘મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ પહેલ’ની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ, વર્ષોથી હાંસિયામાં ધકેલાયેલી ખાદી અને હસ્તકલાને આધુનિક વૈશ્વિક બજાર સાથે સીધી જોડવામાં આવશે. હવે ગામડામાં બેઠેલા કારીગરની કલાકૃતિ માત્ર લોકલ માર્કેટમાં નહીં, પણ દુનિયાભરના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે.

કાપડ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા લાવવા માટે ‘રાષ્ટ્રીય ફાઇબર યોજના’ શરૂ કરવાની દરખાસ્ત મુકાઈ છે. આ યોજના દ્વારા રેશમ, ઊન અને શણ જેવા કુદરતી તંતુઓના ઉત્પાદનમાં ભારત દુનિયાનું નેતૃત્વ કરશે. સાથે જ, માનવસર્જિત અને ઔદ્યોગિક તંતુઓ (Industrial Fibers) ના ઉત્પાદન માટે પણ વિશેષ પ્રોત્સાહન અપાશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે સરકારનો હેતુ વણકરોને માત્ર મજૂરી પૂરતા સીમિત રાખવાનો નહીં, પણ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરના ઉદ્યોગસાહસિક બનાવવાનો છે.

વણકરોને આધુનિક મશીનરી અને ટેકનોલોજી પૂરી પાડવા માટે ‘કાપડ વિસ્તરણ અને રોજગાર યોજના’ લાગુ કરાશે. આ યોજના અંતર્ગત પરંપરાગત ઔદ્યોગિક ક્લસ્ટરોને હાઈ-ટેક લુક આપવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના પરીક્ષણ કેન્દ્રો સ્થાપવા માટે સરકાર સીધી નાણાકીય સહાય પૂરી પાડશે. આટલું જ નહીં, ‘નેશનલ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ પ્રોગ્રામ’ (NHHP) દ્વારા તમામ જૂની યોજનાઓને એકીકૃત કરી વણકરોને સીધી બેંક ખાતામાં મદદ પહોંચાડવામાં આવશે.

‘એક જિલ્લો એક ઉત્પાદન’ (ODOP) અભિગમને વધુ વેગ આપતા, ગ્રામીણ યુવાનોને વૈશ્વિક સપ્લાય ચેઈન સાથે જોડવામાં આવશે. આનાથી ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન હવે મોટા શહેરોમાંથી નીકળીને દેશના ખૂણે-ખૂણે પહોંચશે. માર્કેટિંગ સપોર્ટ અને આધુનિક તાલીમ મળવાથી ભારતીય હસ્તકલાની ગુણવત્તા વિશ્વસ્તરીય બનશે, જેનાથી કારીગરોની આવકમાં તોતિંગ વધારો થશે. આ બજેટ સાચા અર્થમાં ભારતીય કારીગરો માટે ‘સુવર્ણ યુગ’ની શરૂઆત સમાન છે.

(12:19 PM IST)