હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બજેટ 2026: સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સનથી નિર્મલા સીતારમણ સુધી, જાણો ભારતીય બજેટની રોમાંચક સફર!
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરી રચશે નવો ઇતિહાસ; બ્રીફકેસથી ટેબ્લેટ સુધીની સફરના અજાણ્યા પાસાઓ.

નવી દિલ્હી: આવતીકાલે એટલે કે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે, ત્યારે તે માત્ર આંકડાઓનો દસ્તાવેજ નહીં હોય, પણ એક નવો રેકોર્ડ હશે. નિર્મલા સીતારમણ સતત 9મી વખત બજેટ રજૂ કરનારા પ્રથમ નાણામંત્રી બનશે. ભારતમાં બજેટની પરંપરા 166 વર્ષ જૂની છે, જેની સાથે અનેક રસપ્રદ કિસ્સાઓ જોડાયેલા છે.
સ્કોટિશ અર્થશાસ્ત્રી અને ભારતનું પહેલું બજેટ
ભારતના બજેટનો પાયો એક સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને નાખ્યો હતો. 1860માં બ્રિટિશ શાસન દરમિયાન તેમણે ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. આઝાદી પછી, 26 નવેમ્બર 1947ના રોજ આર.કે. શનમુગમ ચેટ્ટીએ સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું, જે માત્ર સાડા સાત મહિના માટે જ હતું.
સાંજે 5 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધીનો ફેરફાર
વર્ષ 1998 સુધી ભારતનું બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. આ પાછળનું કારણ બ્રિટિશ પરંપરા હતી, જેથી લંડનની સંસદના સમય (સવારના 11:30) સાથે મેળ બેસી શકે. જોકે, યશવંત સિંહાએ આ પરંપરા તોડી અને બજેટ સવારે 11 વાગ્યે રજૂ કરવાની શરૂઆત કરી. મોદી સરકારે 2017માં બજેટની તારીખ 28 ફેબ્રુઆરીથી બદલીને 1 ફેબ્રુઆરી કરી દીધી હતી.
નિર્મલા સીતારમણના નામે અનોખા રેકોર્ડ
• સૌથી લાંબુ ભાષણ: 2020માં તેમણે 2 કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું હતું, જે ભારતના ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ ભાષણ છે.
• ડિજિટલ ક્રાંતિ: વર્ષ 2019માં તેમણે બ્રીફકેસને બદલે લાલ કવરમાં લપેટાયેલ 'બહી-ખાતા' (ટેબ્લેટ) રજૂ કરીને પરંપરા બદલી નાખી હતી. 2021માં ભારતનું પ્રથમ 'પેપરલેસ' બજેટ પણ તેમના નામે જ છે.
• મહિલા શક્તિ: ઈન્દિરા ગાંધી પછી તેઓ બીજા મહિલા નાણામંત્રી છે, પરંતુ પ્રથમ 'પૂર્ણકાલીન' મહિલા નાણામંત્રી તરીકેનો શ્રેય તેમને જાય છે.
બ્લેક બજેટ અને રેલવે બજેટનો અંત
વર્ષ 1973માં જ્યારે રાજકોષીય ખાધ ₹550 કરોડ સુધી પહોંચી ગઈ હતી, ત્યારે યશવંતરાવ ચવ્હાણે રજૂ કરેલા બજેટને 'બ્લેક બજેટ' તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષ 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટમાં ભેળવી દેવામાં આવ્યું, જેનાથી 92 વર્ષ જૂની અલગ બજેટની પરંપરાનો અંત આવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
