News of Monday, 26th January 2026
પાકિસ્તાનને UAEનો 'પાવરફુલ' ઝટકો: ઈસ્લામાબાદ એરપોર્ટની ડીલ રદ : રાષ્ટ્રપતિ નાહ્યાનની ભારત મુલાકાત બાદ બદલાયા સમીકરણો!
શેખ મોહમ્મદ બિન ઝાયેદની દિલ્હી મુલાકાતે પાકિસ્તાનના અરમાનો પર ફેરવ્યું પાણી: એરપોર્ટ મેનેજમેન્ટમાંથી અમીરાતે હાથ ખેંચી લેતા શાહબાઝ સરકાર સ્તબ્ધ : ભારત સાથેની મજબૂત દોસ્તીનો પડઘો હવે ખાડી દેશોમાં પણ સંભળાયો

નવી દિલ્હી: પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ પેદા થઈ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર અચાનક રદ કરી દીધો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ નિર્ણય UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનની ભારતની સફળ મુલાકાત બાદ લેવામાં આવ્યો છે. એક તરફ ભારત અને UAE વચ્ચે અબજો ડોલરના રોકાણ અને સંરક્ષણ કરારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ પાકિસ્તાને તેના સૌથી જૂના સાથી દેશનો ભરોસો ગુમાવી દીધો હોય તેમ જણાય છે.
UAE એ આ નિર્ણય પાછળ પાકિસ્તાની પ્રોજેક્ટ્સમાં 'રસનો અભાવ' હોવાનું કારણ આપ્યું છે, પરંતુ રાજદ્વારી નિષ્ણાતો તેને અલગ દ્રષ્ટિએ જોઈ રહ્યા છે. પાકિસ્તાન અત્યારે આર્થિક કંગાળિયત, આંતરિક રાજકીય ખેંચતાણ અને સુરક્ષાના ગંભીર પ્રશ્નોથી ઘેરાયેલું છે. શાહબાઝ શરીફે તાજેતરમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરીને કે 'શાંતિ બોર્ડ' માં હાજરી આપીને જે માહોલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તે UAE ના આ આકરા નિર્ણય સામે નિષ્ફળ સાબિત થયો છે. પાકિસ્તાનની કથળતી જતી આર્થિક વિશ્વસનીયતા હવે તેના ખાડી દેશો સાથેના સંબંધોમાં પણ નડતરરૂપ બની રહી છે.
બીજી તરફ, ભારત-UAE સંબંધો હવે 'સુપર ફાસ્ટ' ટ્રેક પર દોડી રહ્યા છે. એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં બંને દેશો વચ્ચેની ભાગીદારીએ દક્ષિણ એશિયામાં શક્તિનું નવું સંતુલન બનાવ્યું છે. UAE દ્વારા પાકિસ્તાનનો એરપોર્ટ સોદો રદ કરવો એ સ્પષ્ટ સંદેશ છે કે હવે ખાડી દેશો પણ માત્ર વ્યવહારુ અને સ્થિર અર્થતંત્ર સાથે જ હાથ મિલાવવા માંગે છે. આ ઘટના બાદ પાકિસ્તાનમાં અન્ય વિદેશી રોકાણકારો પણ પીછેહઠ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે, જે દેવા હેઠળ દબાયેલા દેશ માટે અત્યંત ચિંતાજનક સમાચાર છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
