News of Wednesday, 14th January 2026
દુર્ગા ખોટે: રુઢિચુસ્ત સમાજની બેડીઓ તોડીને 'ફ્રીલાન્સ' બનનારી હિન્દી સિનેમાની પ્રથમ સન્નારી, જેણે સ્ટુડિયો કલ્ચરના પાયા હચમચાવી દીધા
પતિના નિધન બાદ બે સંતાનો માટે શરૂ કરી સંઘર્ષની સફર; જોધાબાઈથી લઈને 'બોબી'ની દાદી સુધીની ૨૦૦ ફિલ્મોની યાદગાર સફર અને દાદાસાહેબ ફાળકે એવોર્ડ સુધીનું શિખર

મુંબઈ: તા.૧૪: ભારતીય સિનેમાના સુવર્ણ યુગના ઇતિહાસમાં જ્યારે પણ સ્વાભિમાન અને સાહસની વાત નીકળશે ત્યારે દુર્ગા ખોટેનું નામ સુવર્ણ અક્ષરે લેવાશે. ૧૪ જાન્યુઆરી, ૧૯૦૫ના રોજ મુંબઈમાં જન્મેલા દુર્ગાબાઈ માત્ર એક અભિનેત્રી નહોતા, પરંતુ એક એવા ક્રાંતિકારી મહિલા હતા જેમણે એ જમાનામાં 'ફ્રીલાન્સ' કામ કરવાની હિંમત બતાવી જ્યારે કલાકારો મોટા સ્ટુડિયોના બંધુઆ મજૂર ગણાતા હતા.
વૈધવ્યના અંધકારમાંથી સિનેમાના ઉજાસ સુધી
દુર્ગા ખોટે બાળપણથી જ ભણવામાં તેજસ્વી હતા. ૧૭ વર્ષની ઉંમરે લગ્ન થયા પરંતુ ભાગ્યને કંઈક અલગ જ મંજૂર હતું. માત્ર ૨૬ વર્ષની ઉંમરે પતિનું અવસાન થતાં બે નાના બાળકોની જવાબદારી તેમના ખભા પર આવી પડી. શરૂઆતમાં બાળકોના ઉછેર માટે ટ્યુશન ભણાવ્યા, પરંતુ આર્થિક તંગી દૂર કરવા તેમણે 'ફરેબી જાલ' ફિલ્મમાં નાનકડી ભૂમિકા સ્વીકારી. એ સમયે પ્રતિષ્ઠિત ઘરની સ્ત્રીઓ માટે ફિલ્મોમાં કામ કરવું પાપ સમાન ગણાતું, પણ દુર્ગાબાઈએ દુનિયાની પરવા કર્યા વગર પોતાના પરિવાર માટે આ ક્ષેત્રમાં કદમ મૂક્યા.
સ્ટુડિયોની ગુલામી ફગાવી બની ગયા 'આઝાદ' કલાકાર
તે સમયના ફિલ્મ ઉદ્યોગમાં કલાકારોએ કોઈ એક મોટા પ્રોડક્શન હાઉસ સાથે કરારબદ્ધ થવું પડતું હતું. પરંતુ દુર્ગા ખોટેએ આ પરંપરા તોડી નાખી. તેમણે પ્રભાત ફિલ્મ કંપનીની સાથે સાથે ન્યૂ થિયેટર અને પ્રકાશ પિક્ચર્સ જેવી અલગ-અલગ કંપનીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. આ નિર્ણયને કારણે તેઓ ભારતીય સિનેમાના પ્રથમ 'ફ્રીલાન્સ' અભિનેત્રી બન્યા. તેમના આ પગલાએ ભવિષ્યની અભિનેત્રીઓ માટે પોતાની શરતો પર કામ કરવાનો માર્ગ મોકળો કર્યો.
જોધાબાઈની અમર ભૂમિકા અને સન્માનની પ્રાપ્તિ
૫૦ વર્ષ લાંબી કારકિર્દીમાં તેમણે ૨૦૦થી વધુ ફિલ્મો કરી. 'મુઘલ-એ-આઝમ'માં તેમણે ભજવેલું 'જોધાબાઈ'નું પાત્ર આજે પણ અભિનયની પાઠશાળા ગણાય છે. આ ઉપરાંત 'બોબી'માં પ્રેમાળ દાદી અને 'મિર્ઝા ગાલિબ'માં માતાની ભૂમિકાએ તેમને લોકપ્રિયતાના શિખરે પહોંચાડ્યા. તેમની પ્રતિભા માટે તેમને પદ્મશ્રી અને ૧૯૮૩માં સિનેમાના સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી નવાજવામાં આવ્યા હતા.
અભિનય બાદ નિર્માણમાં પણ ડંકો વગાડ્યો
માત્ર અભિનય જ નહીં, દુર્ગાબાઈએ ૧૯૩૭માં 'સાથી' ફિલ્મનું દિગ્દર્શન કર્યું અને પાછળથી પોતાની પ્રોડક્શન કંપની ખોલી. તેમણે દૂરદર્શનનો લોકપ્રિય શો 'વાગલે કી દુનિયા' પણ પ્રોડ્યુસ કર્યો હતો. ૨૨ સપ્ટેમ્બર, ૧૯૯૧ના રોજ આ મહાન કલાકારનું અવસાન થયું, પરંતુ તેમની હિંમત અને કળા આજે પણ નવી પેઢીના કલાકારો માટે દીવાદાંડી સમાન છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
