<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

'પહેલા ટોઈલેટ મેનર્સ શીખો, પછી જ વંદે ભારત સ્લીપરમાં બેસજો': રેલવે અધિકારીની પોસ્ટથી ભારે વિવાદ

આગામી ૧૭ જાન્યુઆરીથી ગુવાહાટી-હાવડા રૂટ પર દેશની પ્રથમ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થઈ રહી છે ત્યારે રેલવેના વરિષ્ઠ અધિકારી અનંત રૂપનાગુડીએ સોશિયલ મીડિયા પર મુસાફરોને ટોઈલેટના ઉપયોગ અંગે શિખામણ આપતા સોશિયલ મીડિયા પર નવી ચર્ચા અને વિવાદ સર્જાયો છે.

ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેના ભાગરૂપે આગામી ૧૭ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગુવાહાટી અને હાવડા વચ્ચે નવી 'વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ' શરૂ થવા જઈ રહી છે. જોકે, આ ટ્રેનના લોન્ચિંગ પહેલા જ રેલવેના એક વરિષ્ઠ અધિકારી અનંત રૂપનાગુડીની એક સોશિયલ મીડિયા પોસ્ટ હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.

અધિકારીએ ટ્રેનના અત્યાધુનિક ટોઈલેટના ફોટા શેર કરીને લખ્યું હતું કે, "આ નવી ટ્રેનમાં ત્યારે જ મુસાફરી કરજો જો તમે 'ટોઈલેટ મેનર્સ' (શૌચાલયના ઉપયોગની રીતભાત) શીખ્યા હોવ અને જાહેર મિલકતનું સન્માન કરી શકતા હોવ." તેમની આ ટીપ્પણીએ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ મેળવ્યો છે. એક તરફ ઘણા લોકોએ રેલવેમાં સ્વચ્છતા જાળવવાના તેમના મુદ્દાને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ ઘણા યુઝર્સે આ ભાષાને મુસાફરો પ્રત્યે અપમાનજનક ગણાવીને ટીકા કરી છે.

ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનોમાં અગાઉ પણ ગંદકી અને તોડફોડની ઘટનાઓ સામે આવી હતી, જેના સંદર્ભમાં અધિકારીએ આ કડક શબ્દોનો પ્રયોગ કર્યો હોવાનું મનાય છે. આ નવી ટ્રેનમાં સેન્સર આધારિત નળ, હેન્ડ ડ્રાયર અને આધુનિક ફિટિંગ્સ આપવામાં આવ્યા છે, જેની જાળવણી તંત્ર અને મુસાફરો બંને માટે પડકારરૂપ બની શકે છે

(3:18 PM IST)