<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

શેરબજારમાં કડાકાથી અબજોપતિઓની સંપત્તિ ધોવાઈ: મુકેશ અંબાણી ૧૦૦ અબજ ડોલર ક્લબમાંથી બહાર: વિશ્વના ધનિકોની યાદીમાં ૧૮મા ક્રમે સરકી ગયા: ૨૦૨૬માં અત્યાર સુધીમાં તેમણે કુલ ૮.૧૨ અબજ ડોલર ગુમાવ્યા

ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ૫૨૦ મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો: તેમની નેટવર્થ ૮૧ અબજ ડોલર થઈ ગઈ: ટેસ્લાના ઇલોન મસ્કે ૧.૨૬ અબજ ડોલર અને જેફ બેઝોસે ૩.૩૪ અબજ ડોલર ગુમાવ્યા

વૈશ્વિક શેરબજારમાં મંગળવારે જોવા મળેલા ભારે ઘટાડાને કારણે વિશ્વના ધનિકોની યાદીમાં મોટી ઉથલપાથલ થઈ છે. ભારતીય ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને જંગી નુકસાન વેઠવું પડ્યું છે.

શેરબજારમાં આવેલા કડાકાને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિમાં એક જ દિવસમાં ૨.૦૭ અબજ ડોલરનું ગાબડું પડ્યું છે. આ ઘટાડા સાથે તેઓ પ્રતિષ્ઠિત ૧૦૦ અબજ ડોલરની ક્લબમાંથી બહાર થઈ ગયા છે અને તેમની કુલ સંપત્તિ ૯૯.૬ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. 

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ મુજબ તેઓ હવે વિશ્વના ધનિકોની યાદીમાં ૧૮મા ક્રમે સરકી ગયા છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં તેમણે કુલ ૮.૧૨ અબજ ડોલર ગુમાવ્યા છે.

બીજી તરફ, ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ ૫૨૦ મિલિયન ડોલરનો ઘટાડો નોંધાયો છે, જેનાથી તેમની નેટવર્થ ૮૧ અબજ ડોલર થઈ ગઈ છે. 

ટેસ્લાના ઇલોન મસ્કે ૧.૨૬ અબજ ડોલર અને જેફ બેઝોસે ૩.૩૪ અબજ ડોલર ગુમાવ્યા છે. જોકે, આ મંદીના માહોલમાં પણ ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન માટે દિવસ લાભદાયી રહ્યો હતો. જેફ બેઝોસને પછાડીને સર્ગેઈ બ્રિન વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમની સંપત્તિ ૨.૮૭ અબજ ડોલર વધીને ૨૫૫ અબજ ડોલર થઈ છે.

 

(12:44 PM IST)