<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ઈરાનની સળગતી સ્થિતિ વચ્ચે ૨૦૦૦ કાશ્મીરી વિદ્યાર્થીઓ ફસાયા: ભારત સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર

અરાજકતા અને ઠપ થઈ ગયેલી ઈન્ટરનેટ સેવાઓને કારણે વિદ્યાર્થીઓનો તેમના પરિવારજનો સાથેનો સંપર્ક તૂટી રહ્યો છે: જેના કારણે ભારતમાં વસતા તેમના માતા-પિતા અને વાલીઓ ભારે ચિંતામાં

ઈરાનમાં ચાલી રહેલા ભયાનક વિદ્રોહ અને હિંસાને કારણે ત્યાં અભ્યાસ કરતા ૨૦૦૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશને ભારત સરકારને પત્ર લખીને તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને તેમને વહેલી તકે વતન પરત લાવવા અપીલ કરી છે.

 

ઈરાનમાં ફાટી નીકળેલા જન આંદોલન અને સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કડક કાર્યવાહીની અસર ત્યાં વસતા ભારતીય નાગરિકો પર પણ પડી રહી છે. મેઘ અપડેટ્સ અને અન્ય અહેવાલો અનુસાર, હાલમાં ઈરાનની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં આશરે ૨૦૦૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઈરાનમાં પ્રવર્તમાન અરાજકતા અને ઠપ થઈ ગયેલી ઈન્ટરનેટ સેવાઓને કારણે આ વિદ્યાર્થીઓનો તેમના પરિવારજનો સાથેનો સંપર્ક તૂટી રહ્યો છે, જેના કારણે ભારતમાં વસતા તેમના માતા-પિતા અને વાલીઓ ભારે ચિંતામાં મુકાયા છે.

 

જમ્મુ-કાશ્મીર સ્ટુડન્ટ્સ એસોસિએશન (જેકેએસએ) એ આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને દરમ્યાનગીરી કરવા વિનંતી કરી છે. એસોસિએશનનું કહેવું છે કે ઈરાનના ઘણા શહેરોમાં રસ્તાઓ પર હિંસક ઘર્ષણ ચાલી રહ્યું છે અને વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ કે રહેઠાણની બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નથી. ઈન્ટરનેટ બંધીને કારણે તેમની હાલત વિશે સાચી માહિતી મળવી પણ મુશ્કેલ બની રહી છે. 

 

એસોસિએશને ભારત સરકારને વિનંતી કરી છે કે તેઓ તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહીને વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કરે અને જો સ્થિતિ વધુ વણસે તો તેમને એરલિફ્ટ કરીને ભારત લાવવાની વ્યવસ્થા ગોઠવે. 

 

આ વિદ્યાર્થીઓ મુખ્યત્વે મેડિકલ અને ઉચ્ચ શિક્ષણ માટે ઈરાન ગયેલા છે. વાલીઓની માંગ છે કે સરકાર આ બાબતે તાકીદે પગલાં લે જેથી તેમના બાળકો સહીસલામત ઘરે પાછા ફરી શકે.

(10:20 AM IST)