હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરુદ્ધ વધી રહેલી હિંસાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતના વિદેશ મંત્રાલયે આજે અત્યંત કડક શબ્દોમાં બાંગ્લાદેશ સરકારને આડે હાથ લેતા જણાવ્યું છે કે, લઘુમતીઓના ઘરો, વ્યવસાયો અને જીવન પર થઈ રહેલા હુમલાઓ એક "ખલેલ પહોંચાડનારી પેટર્ન" બની ગઈ છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે આવી સાંપ્રદાયિક ઘટનાઓને વ્યક્તિગત વિવાદ કે રાજકીય અદાવત ગણાવીને હળવાશથી લેવાની વૃત્તિ ગુનેગારોના મનોબળને વધારી રહી છે.
બ્રિટિશ સંસદમાં ગુંજ્યો ન્યાયનો અવાજ
યુકેના વરિષ્ઠ સાંસદ પ્રીતિ પટેલે બાંગ્લાદેશની સ્થિતિને "અત્યંત ચિંતાજનક" ગણાવી છે. તેમણે બ્રિટિશ વિદેશ સચિવને પત્ર લખીને માંગ કરી છે કે બ્રિટન સરકારે પોતાના પ્રભાવનો ઉપયોગ કરી બાંગ્લાદેશમાં ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી જોઈએ. પ્રીતિ પટેલે આક્રોશ સાથે નોંધ્યું કે, છેલ્લા ૧૮ દિવસમાં જ ઓછામાં ઓછા છ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, જે કોઈપણ સંસ્કારી સમાજ માટે અસ્વીકાર્ય છે.
હિંસાનો ભયાનક ચહેરો: જીવતા સળગાવ્યા અને ગોળીઓ ચલાવી
બાંગ્લાદેશમાં હાલ અરાજકતાનું વાતાવરણ છે. તાજેતરની ઘટનાઓમાં, દીપુ ચંદ્ર દાસ નામના યુવાન ફેક્ટરી કામદારને ટોળાએ બેરહેમીથી માર માર્યા બાદ જીવતો સળગાવી દીધો હતો. નરસિંઘડી જિલ્લામાં શરત ચક્રવર્તી નામના કરિયાણાના દુકાનદાર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી, જ્યારે પત્રકાર રાણા પ્રતાપને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી. જેસોરમાં પણ એક હિન્દુ ફેક્ટરી માલિકની ગોળી મારીને હત્યા કરાતા વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.
ન્યાય માટે માનવ સાંકળ અને વૈશ્વિક તપાસ
આ અત્યાચારો સામે હવે બાંગ્લાદેશના સ્થાનિક વેપારીઓ અને નાગરિકો પણ રસ્તા પર ઉતરી આવ્યા છે. હત્યા કરાયેલા હિન્દુ વેપારીઓ માટે ન્યાયની માંગ સાથે ઠેર-ઠેર માનવ સાંકળ બનાવવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભાર મૂક્યો છે કે જ્યાં સુધી ગુનેગારો સામે મજબૂત કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે, ત્યાં સુધી લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના દૂર નહીં થાય.
આંતરરાષ્ટ્રીય સમુદાય હવે બાંગ્લાદેશ પર દબાણ વધારી રહ્યો છે કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરે અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરનારા ઉગ્રવાદી તત્વોને નાથવા કડક ડગલાં ભરે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM