તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Friday, 9th January 2026
લખનૌમાં 'ગ્રીન ક્રાંતિ'નો પ્રારંભ: રાજનાથ સિંહ અને યોગી આદિત્યનાથે અશોક લેલેન્ડના અત્યાધુનિક EV પ્લાન્ટનું કર્યું લોકાર્પણ
માત્ર ૧૮ મહિનામાં તૈયાર થયો વર્લ્ડ ક્લાસ ઇલેક્ટ્રિક વાહન પ્લાન્ટ; દર મહિને ૨,૫૦૦ વાહનોનું થશે ઉત્પાદન, ઉત્તર પ્રદેશ બનશે દેશનું નવું મેન્યુફેક્ચરિંગ હબ

લખનૌ, તા. ૦૯ : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌ આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરોજિની નગર વિસ્તારમાં અશોક લેલેન્ડના હાઈ-ટેક ઇલેક્ટ્રિક વાહન (EV) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું છે અને ભારત આ પરિવર્તનમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે."
રેકોર્ડ બ્રેક સમયમાં નિર્માણ અને રોજગારનો ધોધ
આ પ્લાન્ટની ખાસિયત એ છે કે જે પ્રોજેક્ટ માટે ૨૪ મહિનાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, તે માત્ર ૧૮ મહિનાના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થયા પછી, અહીં દર મહિને આશરે ૨,૫૦૦ ઇલેક્ટ્રિક વાહનો બનાવવામાં આવશે. આનાથી ન માત્ર પર્યાવરણનું રક્ષણ થશે, પરંતુ સ્થાનિક યુવાનો માટે રોજગારીની હજારો નવી તકો પણ ઊભી થશે. આગામી પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં લાખો કરોડો રૂપિયાનું રોકાણ આવવાની અપેક્ષા છે.
સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભરતાનો ડંકો
રાજનાથ સિંહે આત્મનિર્ભર ભારતનો ઉલ્લેખ કરતા ગર્વ સાથે જણાવ્યું કે, ૨૦૧૪માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન જે માત્ર ₹૪૬,૦૦૦ કરોડ હતું, તે આજે વધીને ₹૧.૫ લાખ કરોડને પાર કરી ગયું છે. તેવી જ રીતે સંરક્ષણ નિકાસમાં પણ ₹૨૪,૦૦૦ કરોડનો વિક્રમી આંકડો સ્પર્શ્યો છે. તેમણે ઉમેર્યંુ કે હવે લખનૌમાં બ્રહ્મોસ મિસાઈલનું ઉત્પાદન થઈ રહ્યું છે, જે દર્શાવે છે કે ઉત્તર પ્રદેશ હવે 'બીમારુ' રાજ્ય મટીને 'ઔદ્યોગિક પાવરહાઉસ' બની ગયું છે.
૨૦૪૭ના વિકસિત ભારતનો સંકલ્પ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની 'ડબલ એન્જિન' સરકારની પ્રશંસા કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થામાં સુધારાને કારણે ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ હવે ઉત્તર પ્રદેશમાં રોકાણ કરવા આતુર છે. ૨૦૪૭ સુધીમાં જ્યારે ભારત આઝાદીની શતાબ્દી ઉજવશે, ત્યારે ઉત્તર પ્રદેશ રોજગાર, સુરક્ષા અને આત્મનિર્ભરતામાં આખા દેશનું નેતૃત્વ કરશે તેવો અતૂટ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
(5:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
