<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

પાકિસ્‍તાનના પીએમ શાહબાઝ શરીફ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી

પાકિસ્‍તાનના રાજકારણમાં અત્‍યારે ભારે હલચલ મચી ગઈ

ઈસ્‍લામાબાદ,તા.૦૯: પાકિસ્‍તાનના રાજકારણમાં અત્‍યારે ભારે હલચલ મચી ગઈ છે. સામાન્‍ય રીતે કોઈ દેશના વડા પ્રધાન વિરુદ્ધ તેમના જ દેશમાં કે અન્‍ય સંસ્‍થાઓ દ્વારા કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ વખતે મામલો કંઈક અલગ છે. પાકિસ્‍તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ વિરુદ્ધ બલુચિસ્‍તાનની ‘નિર્વાસિત સરકાર' દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્‍યું છે. આ ઘટનાને પગલે પાકિસ્‍તાનની આંતરિક સુરક્ષા અને બલુચિસ્‍તાન મુક્‍તિ આંદોલનની ઉગ્રતા ફરી એકવાર વિશ્વના મંચ પર ચર્ચાનું કેન્‍દ્ર બની છે.

આ ધરપકડ વોરંટ જારી કરવા પાછળનું કારણ અત્‍યંત ચોંકાવનારું છે. બલુચિસ્‍તાનની નિર્વાસિત સરકારનો આરોપ છે કે શાહબાઝ શરીફે બલુચિસ્‍તાનના વિઝા નિયમોનું ઉલ્‍લંઘન કર્યું છે. બલૂચિસ્‍તાન રિપબ્‍લિકના નેતા મીર યાર બલોચે સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ ‘એક્‍સ' પર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે પાકિસ્‍તાનના વડા પ્રધાને બલુચિસ્‍તાનની સંપ્રભુતાને જાણીજોઈને ગંભીર નુકસાન પહોંચાડ્‍યું છે અને તેના કારણે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

૮ જાન્‍યુઆરી ૨૦૨૬ના જાહેર કરેલા આદેશમાં જણાવાયું છે કે શાહબાઝ શરીફે માન્‍ય વિઝા વગર બલુચિસ્‍તાનમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો છે. મીર યાર બલોચે વધુમાં લખ્‍યું છે કે બલૂચિસ્‍તાન રિપબ્‍લિકના કાયદા અને સંપ્રભુતા અધિકારો મુજબ, શહેબાઝ શરીફની ધરપકડ બલૂચિસ્‍તાનના કોઈપણ એરપોર્ટ પર તેમના આગમન સમયે અથવા ત્‍યાંથી પ્રસ્‍થાન કરતી વખતે કરી શકાય છે. આ જાહેરાત બાદ પાકિસ્‍તાન સરકાર અને સુરક્ષા એજન્‍સીઓમાં દોડધામ મચી ગઈ છે.

આ ઘટના પાકિસ્‍તાનમાં ચાલી રહેલા લાંબા સમયના બલુચિસ્‍તાન વિવાદને વધુ તીવ્ર બનાવે છે. બલૂચિસ્‍તાનના સંગઠનો લાંબા સમયથી પાકિસ્‍તાનથી આઝાદીની માંગ કરી રહ્યા છે અને પોતાની અલગ સરકાર હોવાનો દાવો કરે છે. પાકિસ્‍તાન સરકાર આ જૂથોને ગેરકાયદેસર ગણાવે છે, પરંતુ આ પ્રકારના વોરંટથી આંતરરાષ્ટ્રીય સ્‍તરે પાકિસ્‍તાનની નબળી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ છતી થાય છે. વડા પ્રધાન વિરુદ્ધ આવું વોરંટ આવવું એ પાકિસ્‍તાની શાસનતંત્ર માટે મોટો ફટકો માનવામાં આવે છે.

(10:49 AM IST)