<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

વડાપ્રધાન મોદીનું 'પ્રગતિ' પ્લેટફોર્મ બન્યું ગેમ-ચેન્જર: ₹85 લાખ કરોડના પ્રોજેક્ટ્સને મળી નવી ગતિ, દસ વર્ષમાં વહીવટી અવરોધો દૂર કરી દેશનો વિકાસ કર્યો તેજ

50 બેઠકો અને 3300 થી વધુ પ્રોજેક્ટ્સની સીધી સમીક્ષા: 'વન નેશન વન રેશન કાર્ડ' થી લઈને 'રેલવે પ્રોજેક્ટ્સ' સુધીના પ્રશ્નોનું PM એ કર્યું નિરાકરણ - કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને આપી વિગતવાર માહિતી

નવી દિલ્હી : દેશના વહીવટીતંત્રમાં પારદર્શિતા અને ઝડપ લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015 માં શરૂ કરેલું 'પ્રગતિ' (PRAGATI - Pro-Active Governance and Timely Implementation) પ્લેટફોર્મ આજે ભારતની પ્રગતિનું એન્જિન સાબિત થઈ રહ્યું છે. કેબિનેટ સચિવ ટી.વી. સોમનાથને આજે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા જણાવ્યું કે, આ પ્લેટફોર્મે દાયકાઓથી અટવાયેલા મેગા પ્રોજેક્ટ્સ અને મુખ્ય કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે.

દસ વર્ષની સફર અને અદભૂત આંકડા

કેબિનેટ સચિવે માહિતી આપી કે અત્યાર સુધીમાં 'પ્રગતિ' હેઠળ 50 હાઈ-લેવલ બેઠકો યોજાઈ છે. આ બેઠકોમાં વડાપ્રધાને પોતે કુલ ₹85 લાખ કરોડના 3,300 થી વધુ પ્રોજેક્ટ્સની વ્યક્તિગત સમીક્ષા કરી છે. આ પ્લેટફોર્મની તાકાત એ છે કે તેના દ્વારા પ્રોજેક્ટ્સમાં નડતા 7,735 જટિલ મુદ્દાઓમાંથી 7,156 મુદ્દાઓનું સફળતાપૂર્વક નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. આનાથી માત્ર સમયની બચત જ નથી થઈ, પરંતુ પ્રોજેક્ટ્સના વધતા ખર્ચ પર પણ લગામ લગાવી શકાઈ છે.

યોજનાઓ અને માળખાગત સુવિધાઓ પર સીધી નજર

માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ 'પીએમ જન આરોગ્ય યોજના' અને 'વન નેશન વન રેશન કાર્ડ' જેવી 61 મહત્વની જનકલ્યાણકારી યોજનાઓની પણ આ પ્લેટફોર્મ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. જમ્મુ-બારામુલ્લા રેલ લિંક અને બ્રહ્મપુત્ર નદી પરનો બોગીબીલ બ્રિજ જેવા દેશના વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ આજે જો કાર્યરત છે, તો તેમાં 'પ્રગતિ' પ્લેટફોર્મ હેઠળ થયેલા ઝડપી નિર્ણયોનો મોટો ફાળો છે.

કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો સેતુ

'પ્રગતિ' એક એવું ટેકનોલોજી-આધારિત પ્લેટફોર્મ છે જે કેન્દ્રના સચિવો અને રાજ્યોના મુખ્ય સચિવોને સીધા વડાપ્રધાન સાથે જોડે છે. આનાથી ફાઈલોમાં અટવાયેલા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થાય છે. રેલવે બોર્ડના અધ્યક્ષ સતીશ કુમારે જણાવ્યું કે રેલવેના 427 પ્રોજેક્ટ્સ આ હેઠળ દેખરેખમાં છે, જેમાંથી 38% પૂર્ણ થઈ ચૂક્યા છે. માર્ગ પરિવહન અને ઉર્જા મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે આ પહેલથી તેમના સેંકડો પડતર પ્રશ્નો ઉકેલાયા છે.

(8:59 PM IST)