<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

ટ્રમ્પનો વેનેઝુએલાને ખુલ્લો પડકાર: 'જપ્ત કરેલું તેલ અમે રાખીશું અથવા વેચી દઈશું', માદુરોને સત્તા છોડવા આપી અંતિમ ચેતવણી

યુએસ નેવી માટે 'ટ્રમ્પ ક્લાસ'ના અત્યાધુનિક યુદ્ધ જહાજો બનાવવાની પણ જાહેરાત; ગોલ્ડન ફ્લીટ સાથે સમુદ્રમાં અમેરિકાની શક્તિ વધારશે પ્રમુખ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો સામે આરપારની લડાઈના સંકેત આપ્યા છે. સોમવારે પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે વેનેઝુએલાના દરિયાકાંઠેથી અમેરિકાએ જે તેલ જપ્ત કર્યું છે, તેના પર હવે અમેરિકાનો અધિકાર છે. ટ્રમ્પે આક્રમક તેવરમાં કહ્યું કે, "આ તેલ કાં તો અમે અમારી પાસે રાખીશું અથવા તેને વેચી દઈશું."
માદુરોને 'છેલ્લી' ચેતવણી
વેનેઝુએલામાં લોકશાહી અને સત્તા પરિવર્તનના મુદ્દે ટ્રમ્પે માદુરોને સલાહ આપી છે કે તેમના માટે સત્તા છોડવી જ અત્યારે સમજદારીભર્યું પગલું રહેશે. ટ્રમ્પે કડક શબ્દોમાં ઉમેર્યું કે, "જો તે (માદુરો) જીદ પર અડગ રહેશે અને 'હાર્ડ ગેમ' રમશે, તો આ તેમની જિંદગીની છેલ્લી હાર્ડ ગેમ સાબિત થશે." ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકાએ ડ્રગ્સની હેરાફેરી રોકવાના બહાને કરેલા સૈન્ય હુમલાઓમાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે.
જવાબમાં માદુરોનો વળતો પ્રહાર
બીજી તરફ, નિકોલસ માદુરો પણ નમતું જોખવા તૈયાર નથી. તેમણે ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દરેક નેતાએ બીજાના દેશમાં દખલ કરવાને બદલે પોતાના આંતરિક મામલાઓ પર ધ્યાન આપવું જોઈએ. બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થયા બાદ પણ તણાવ ઓછો થવાને બદલે સતત વધી રહ્યો છે.
સમુદ્રમાં આવશે 'ટ્રમ્પ ક્લાસ' યુદ્ધ જહાજો
આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણ વચ્ચે ટ્રમ્પે અમેરિકાની સૈન્ય શક્તિ વધારવા માટે એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાહેરાત કરી છે. તેઓ યુએસ નેવી માટે 'ટ્રમ્પ ક્લાસ' (Trump Class) ના નવા યુદ્ધ જહાજો બનાવશે, જે 'ગોલ્ડન ફ્લીટ' નામે ઓળખાતા કાફલાનો હિસ્સો બનશે. ટ્રમ્પે જૂના અને અપ્રચલિત જહાજોને હટાવીને અત્યાધુનિક ટેકનોલોજીવાળા જહાજો લાવવા પર ભાર મૂક્યો છે. રસપ્રદ વાત એ છે કે, ટ્રમ્પ પોતે આ જહાજોની ડિઝાઈન તૈયાર કરવામાં વ્યક્તિગત રસ લઈ રહ્યા છે.
અમેરિકાની આ 'ઓઈલ પોલિટિક્સ' અને સૈન્ય આધુનિકીકરણની જાહેરાતે દક્ષિણ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ચર્ચાઓ જગાવી છે.

(7:41 PM IST)