<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગની લંડનમાં આતંકવાદ વિરોધી કાયદા હેઠળ ધરપકડ: પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનમાં પ્લેકાર્ડ બતાવવું ભારે પડ્યું

પ્રતિબંધિત સંગઠન 'પેલેસ્ટાઈન એક્શન'ના સમર્થનનો પોલીસનો દાવો; ઇમારત પર લાલ રંગ ફેંકવા મામલે પણ થઈ કાર્યવાહી, વિશ્વભરમાં ચર્ચા જગાવી

લંડન : વિશ્વવિખ્યાત સ્વીડિશ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ ફરી એકવાર કાયદાકીય સકંજામાં આવી છે. મંગળવારે લંડનમાં આયોજિત પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન દરમિયાન બ્રિટિશ પોલીસે ગ્રેટા થનબર્ગની ધરપકડ કરી છે. આ વખતે તેની ધરપકડ સામાન્ય વિરોધ પ્રદર્શન માટે નહીં, પરંતુ બ્રિટનના 'આતંકવાદ અધિનિયમ ૨૦૦૦' ની ગંભીર કલમો હેઠળ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
લંડનમાં 'ડિફેન્ડ અવર જ્યુરીઝ' જૂથ દ્વારા એક વીમા કંપનીની ઇમારત સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ વીમા કંપની ઇઝરાયેલી સંરક્ષણ કંપની 'એલ્બિટ સિસ્ટમ્સ'ની બ્રિટિશ શાખાને સેવાઓ પૂરી પાડે છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ ઇમારત પર લાલ રંગ પણ ફેંક્યો હતો, જેના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી.
પ્લેકાર્ડ બન્યું ધરપકડનું કારણ
પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ૨૨ વર્ષીય ગ્રેટા થનબર્ગની ધરપકડ આતંકવાદ વિરોધી કાયદાની કલમ ૧૩ હેઠળ કરવામાં આવી છે. ગ્રેટા પર આરોપ છે કે તેણે પ્રદર્શન દરમિયાન એક એવું પ્લેકાર્ડ (બોર્ડ) પકડ્યું હતું જે 'પેલેસ્ટાઈન એક્શન' નામની સંસ્થાના કેદીઓને સમર્થન આપતું હતું. મહત્વનું છે કે, બ્રિટિશ સરકારે 'પેલેસ્ટાઈન એક્શન'ને એક આતંકવાદી જૂથ તરીકે જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂકેલો છે.
ઝુંબેશ જૂથોનો વિરોધ
ધરપકડ બાદ 'ડિફેન્ડ અવર જ્યુરીઝ' જૂથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગ્રેટા માત્ર પેલેસ્ટાઈન તરફી કાર્યકર્તાઓને નૈતિક ટેકો આપી રહી હતી. જોકે, પોલીસનું કહેવું છે કે પ્રતિબંધિત સંગઠનોના સમર્થનમાં કોઈપણ વસ્તુ પ્રદર્શિત કરવી એ કાયદાકીય ગુનો છે. હાલમાં ગ્રેટા પોલીસ કસ્ટડીમાં છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
પર્યાવરણના મુદ્દે અવાજ ઉઠાવતી ગ્રેટા હવે રાજકીય અને યુદ્ધના મુદ્દાઓ પર સક્રિય થતા વારંવાર વિવાદોમાં ઘેરાઈ રહી છે.

(7:40 PM IST)