<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd November 2025

બેંગલુરુમાં 'યમદૂત' બની એમ્બ્યુલન્સ: રિચમંડ સર્કલ પાસે અનેક વાહનોને અડફેટે લીધા, સ્કૂટર સવાર દંપતીનું કરૂણ મોત

સનસનાટીભર્યો CCTV ફૂટેજ વાયરલ: બેફામ એમ્બ્યુલન્સે મોટરસાયકલને ખેંચી, ટ્રાફિક પોલીસ બૂથ સાથે અથડાઈને પલટી; અકસ્માત બાદ દંપતીએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી: કર્ણાટકના બેંગલુરુના રિચમંડ સર્કલ પાસે એક હૃદયદ્રાવક અને સનસનાટીભર્યો માર્ગ અકસ્માત થયો છે, જ્યાં બેફામ ગતિએ આવતી એક એમ્બ્યુલન્સે અનેક વાહનો અને લોકોને અડફેટે લીધા હતા. આ ભયાનક દુર્ઘટનામાં સ્કૂટર પર સવાર એક દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અનેક મોટરસાયકલો દૂર સુધી ખેંચાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જે એમ્બ્યુલન્સની ઝડપ અને તેના કારણે સર્જાયેલી અંધાધૂંધી દર્શાવે છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે એમ્બ્યુલન્સે પહેલા ત્રણ મોટરસાયકલને ટક્કર મારી. ત્યારબાદ એક મોટરસાયકલ તો એમ્બ્યુલન્સ સાથે ઘણા અંતર સુધી ખેંચાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સ જ્યારે બેકાબૂ બની, ત્યારે તે સ્કૂટર પર પસાર થઈ રહેલા દંપતી – ૪૦ વર્ષીય ઈસ્માઈલ અને તેમની પત્ની સમીન બાનો – પર ચડી ગઈ. આ દંપતીને ગંભીર ઈજાઓ થતાં બંનેનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. અંતે એમ્બ્યુલન્સ ટ્રાફિક પોલીસ બૂથ સાથે જોરદાર ટક્કર મારીને પલટી ખાઈ ગઈ હતી.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ગભરાટ અને અરાજકતાનો માહોલ સર્જાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક દંપતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. એમ્બ્યુલન્સ પલટી ગયા બાદ સ્થાનિક લોકોએ નીચે ફસાયેલા વાહનોને મુક્ત કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં એમ્બ્યુલન્સનું નિયંત્રણ ગુમાવવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસ આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે કે શું એમ્બ્યુલન્સ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવ્યું હતું કે કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી.

(4:07 PM IST)