હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વમાં વધતા તણાવ વચ્ચે રિઝર્વ બેન્કનું મોટું પગલું : 64 ટન સોનું ભારત પાછું મંગાવી લીધું
વૈશ્વિક સ્તરે વધી રહેલા જોખમને જોતાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોને પોતાની સંપત્તિની સુરક્ષા વિશે વિચારવા મજબૂર

નવી દિલ્હી : દુનિયાભરમાં વધતી જતી રાજકીય ઉથલપાથલ અને નાણાકીય જોખમોની વચ્ચે ભારતીય રિઝર્વ બેંકે દેશની સંપત્તિને સુરક્ષિત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. રિઝર્વ બેંકે માત્ર છ મહિનામાં એટલે કે આ વર્ષે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે વિદેશમાં રાખેલું પોતાનું 64 ટન સોનું ભારત પાછું મંગાવી લીધું છે. વૈશ્વિક સ્તરે વધી રહેલા જોખમને જોતાં ભારત હવે પોતાની કિંમતી સંપત્તિને વિદેશી ધરતી પર રાખવાનું જોખમ લેવા માંગતું નથી.
તાજેતરના વર્ષોમાં એવી અનેક ઘટનાઓ બની છે જેણે વિદેશી તિજોરીઓની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. સૌથી મોટા ઉદાહરણોમાં રશિયા-યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો સામેલ છે. આ બંને કિસ્સાઓમાં પશ્ચિમી દેશોના G-7 સમૂહે રશિયા અને અફઘાનિસ્તાનના અબજો ડોલરના વિદેશી ચલણ ભંડારને જપ્ત કરી લીધો હતો. આ એક એવી કાર્યવાહી હતી જેણે વિશ્વભરની કેન્દ્રીય બેંકોને પોતાની સંપત્તિની સુરક્ષા વિશે વિચારવા મજબૂર કરી દીધી.
આ ઘટનાઓથી એવો ડર પેદા થયો છે કે જો કોઈ દેશ સાથે તમારા રાજકીય મતભેદો થાય તો તે તમારા જ પૈસાને તમારી વિરુદ્ધ હથિયાર તરીકે વાપરી શકે છે અથવા તેને ફ્રીઝ કરી શકે છે. આવી સ્થિતિમાં પોતાના સોનાને જે કોઈપણ દેશની સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે તેને પોતાની જમીન પર પોતાની તિજોરીઓમાં રાખવું જ એ સૌથી સમજદારીભર્યું પગલું છે.
રશિયા અને અફઘાનિસ્તાનના સંજોગો જોયા પછી ભારત હવે પોતાની સંપત્તિને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી. માર્ચ 2023થી અત્યાર સુધીમાં RBIએ વિદેશમાંથી કુલ 274 ટન સોનું ભારત પરત મંગાવ્યું છે. જો 31 માર્ચના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો RBI પાસે કુલ 879 ટન સોનું હતું, જેમાંથી 512 ટન ભારતમાં અને 348.6 ટન વિદેશમાં હતું.
આ આંકડાઓની સરખામણી સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવી રીતે છ મહિનાની અંદર 64 ટન સોનું ભારત લાવવામાં આવ્યું છે અને વિદેશી હોલ્ડિંગ્સને ઘટાડવામાં આવી છે. સપ્ટેમ્બર 2025ના અંત સુધીના આંકડાઓ અનુસાર ભારતીય રિઝર્વ બેંક પાસે કુલ 880.8 ટન સોનું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
