તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Saturday, 25th October 2025
પૂ. મોરારીબાપુના વ્યાસાસને "શ્રી રામ ભગવાનની વન યાત્રા માર્ગ પર રામ કથા"નો પ્રારંભ : ૧૧ દિવસીય રામ યાત્રા સાથે નવ દિવસીય રામ કથાનું ગાન : મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં અત્રિ આશ્રમ ખાતે શ્રી રામકથાનો પ્રારંભ
અયોધ્યામાં નવમા દિવસના કથા ગાન સાથે રામકથા વિરામ લેશે : આ રીતે સનાતન વૈદિક ધર્મ પરંપરામાં કથા જગતમાં એક અનોખો અધ્યાય આલેખાશે : અરણ્ય કાંડથી આરંભીને ઉત્તરકાંડ સુધીની ભગવાન રામજીના યાત્રા પથ પર પૂ.મોરારીબાપુના કુલ કથા ક્રમની ૯૬૬મી કથાનું ગાન

રાજકોટ તા.૨૫
પ્રભુ શ્રી રામે માતા જાનકીજી અને ભાઈ લક્ષ્મણ સાથે ચૌદ વર્ષનો વનવાસ વેઠ્યો હતો. અરણ્ય કાંડમાં ભગવાન, ચિત્રકૂટમાં અત્રિ ઋષિના આશ્રમે થઇને આગળ કુંભજ ઋષિના આશ્રમે પહોંચે છે. ત્યાંથી માર્ગદર્શન મેળવીને પંચવટીમાં નિવાસ કરે છે. ત્યાંથી રાવણ માતા જાનકીજીનું હરણ કરે એ પછી ભગવાન શબરી આશ્રમે પહોંચે છે. ત્યાંથી ઋષ્યમૂક પર્વત પાસે શ્રી હનુમાનજી સાથે મિલન અને સુગ્રીવ સાથે મૈત્રી, પ્રવર્ષણ પર્વત પર ચાતુર્માસ બાદ શ્રી હનુમાનજી દ્વારા સીતા શોધ અને સેતુબંધ તેમ જ રામેશ્વર ભગવાનની સ્થાપના કરીને ભગવાન શ્રી લંકા પહોંચે છે. યુદ્ધમાં રાવણ વધ પછી વિમાન માર્ગે અયોધ્યા પધારે છે. આ ક્રમ પ્રમાણે જ અરણ્ય કાંડથી આરંભીને ઉત્તરકાંડ સુધીની ભગવાન રામજીના યાત્રા પથ પર પૂજ્ય બાપુના કુલ કથા ક્રમની ૯૬૬મી કથાનું ગાન થશે.
કથાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ દિલ્લીથી ૩૫૦ શ્રોતા-યાત્રિકો સાથે ખાસ ટ્રેન દ્વારા રામ યાત્રાનો પ્રારંભ થયો છે.
આજે ૨૫ તારીખે મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે અત્રિ આશ્રમ પર સાંજના ચાર કલાકે કથાનું મંગલ ગાન આરંભાયુ છે. રાત્રે ટ્રેન દ્વારા આગળની યાત્રા આરંભાશે. ૨૬ તારીખે મધ્યપ્રદેશના સતના ખાતે સવારે દસ કલાકે, અગત્સ્ય- આશ્રમ પર કથા ગવાશે. ત્યાંથી આગળ મહારાષ્ટ્રમાં નાસિક ખાતે ૨૭ની સવારે પંચવટી સ્થાને કથા થશે. ૨૮ તારીખે કર્ણાટકમાં હમ્પી વિસ્તારમાં શબરી આશ્રમ ખાતે, ૨૯મીએ કર્ણાટકના ઋષ્યમૂક તેમ જ ૩૦મીએ પ્રવર્ષણ (માલ્યવંત) પર્વત ખાતે કથા ગાન કરી, રામ યાત્રા ૩૧ તારીખે રામેશ્વર ખાતે પહોંચશે. ૧ નવેમ્બરે રામેશ્વરમાં કથા ગાન થશે. બીજી નવેમ્બરના રોજ શ્રીલંકાના કોલંબો ખાતે હવાઇ માર્ગ દ્વારા યાત્રા થશે. ૩ તારીખે સવારે કોલંબોમાં કથા ગાન કરીને વિમાન માર્ગે સહુ શ્રાવક-યાત્રિકો અયોધ્યા પહોંચશે. ૪ તારીખે અયોધ્યામાં નવમા દિવસના કથા ગાન સાથે ૧૧ દિવસીય રામ યાત્રા અને નવ દિવસીય રામકથા સંપન્ન થશે. પાંચ તારીખે સવારે યાત્રાની ટ્રેન સહુ શ્રોતાઓને દિલ્લી ઉતારશે એ સાથે પૂજ્ય બાપુની રામ યાત્રાની પૂર્ણાહુતિ થશે.
એ રીતે સનાતન વૈદિક ધર્મ પરંપરામાં કથા જગતમાં એક અનોખો અધ્યાય આલેખાશે.તેમ નિલેશભાઈ વાવડીયા (મહુવા)ની યાદીમાં જણાવાયું છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
